કોરોનામાંથી સાજો થતા જ દક્ષિણ ગુજરાતના લિસ્ટેડ બુટલેગરની ધરપકડ
ઉદવાડાનો ભરત જાદવ છેલ્લા છ વર્ષથી વોન્ટેડ હતો
હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતા પકડી ઓલપાડ પોલીસને સોંપાયો
સુરત, તા.1 ઓગષ્ટ 2020,શનિવાર
દક્ષિણ ગુજરાતના લિસ્ટેડ બુટલેગરને કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળતા જ ઉમરા પોલીસે ઝડપીને ઓલપાડના પોલીસના હવાલે કર્યો છે. ઉદવાડાનો ભરત જાદવ 14 દિવસથી સુરતની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉમરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગુસિંહ ચંપકલાલ અને કોન્સ્ટેબલ સાગર લીલાભાઈને બાતમી મળી હતી કે દક્ષિણ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ લીસ્ટેડ બુટલેગર ભરત રાજકુમાર જાદવ (ઉ.47. રહે. 192, સિદ્ધાર્થ બંગ્લોઝ, રેંટલાવ પોલીસ સ્ટેશનની સામે, નેશનલ હાઇવે નં.8, ઉદવાડા, તા. પારડી, જી. વલસાડ) કોરોનાની સારવાર માટે સુરતના અઠવાગેટ સ્થિત ટ્રાઈસ્ટર હોસ્પિટલમાં 14 દિવસથી સારવાર લઇ રહ્યો છે અને તેને શુક્રવારે રાત્રે રજા મળવાની છે. આથી ઉમરા પોલીસે ગતરાત્રે હોસ્પિટલ ખાતે વોચ ગોઠવી હતી અને ભરત જાદવને રજા મળતા તે પરિવાર સાથે જાય તે પહેલા જ ઝડપી પાડી બાદમાં તેને રાત્રે જ ઓલપાડ પોલીસને સોંપ્યો હતો.
લીસ્ટેડ બુટલેગર ભરત જાદવ દક્ષિણ ગુજરાતના પારડી પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી તેમજ ઓલપાડ, ચીખલી, વાસંદા અને ડુંગરી પોલીસ મથકમાં ચાલુ વર્ષે નોંધાયેલા પાંચ ગુનામાં વોન્ટેડ હતો.