દશરથમાંથી પકડેલો અઢી કરોડનો દારૃ ડૂપ્લિકેટ હોવાની શંકા
દારૃની બોટલ પર બનાવટ અંગેની કોઇ વિગત નથી ; નવસારીમાંથી પણ આવો જ દારૃ પકડાયો

વડોદરા,દશરથમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૃના ગોડાઉન પર દરોડો પાડી ૨.૪૪ કરોડનો દારૃ કબજે કર્યો હતો. દારૃની આ બોટલ પર કોઇ બેચ નંબર નથી. જેથી, આ દારૃ ડૂપ્લિકેટ હોવાની શંકા સેવાઇ રહી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ જ બ્રાન્ડનો દારૃનો જથ્થો બે દિવસ પહેલા જ નવસારીમાંથી પણ પકડાયો છે.
ગત સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દશરથ ગામે બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં દરોડો પાડીને બિશ્નોઇ ગેંગનો ૨.૪૪ કરોડનો દારૃનો જથ્થો ઝડપી પાડી ચાર આરોપીને પકડી લીધા હતા. આ કેસમાં કુલ ૨.૬૯ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પી.સી.બીં. પોલીસને એવી વિગતો જાણવા મળી છે કે, રેડ પડી ત્યારે મુખ્ય સૂત્રધાર રાજુરામ બિશ્નોઇ થોડે દૂર જ ઉભો હતો. રેડ પડતા જ તે છોટા હાથી ટેમ્પો લઇને ફરાર થઇ ગયો હતો. આ મુખ્ય સૂત્રધારે પોતાની ઓળખ રાજુરામ તરીકે આપી હતી. પરંતુ, તેનું સાચું નામ અલગ જ છે. તેની ઓળખ પોલીસે કરી લીધી છે. હવે પોલીસ તેને શોધી રહી છે. ચાર પૈકીના બે આરોપીઓના વધુ રિમાન્ડ મેળવવા માટેની અરજી નામંજૂર થતા પોલીસ હવે રિવિઝન અરજી કરશે. પકડાયેલી દારૃની એકપણ બોટલ પર બેચ નંબર સહિતની કોઇ જ વિગતો નથી. જેથી, આ દારૃ ડૂપ્લિકેટ હોવાની શંકા થતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ દારૃ ક્યાં બનાવવામાં આવતો હતો. તે અંગે પણ હજી વિગતો મળી નથી.

