500ની દારૂની બોટલ 1200મા વેચાય છે, ગુજરાતમાં બુટલેગરોનું બે નંબરી નેટવર્ક છતાં પોલીસ 'ધૃતરાષ્ટ્ર' બની
Image: Freepik |
Gujarat Liquor Black Market: રવિવારે (27 જુલાઈ) વડોદરાના કરજણ પાસે પોણા બે કરોડના વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડાયું તે પછી રાજ્યના પોલીસ વડાની સ્કવૉડ સુધી રેલો આવતાં ચકચાર જાગી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 37 કરોડનો દારૂ પકડી ચૂકેલી સ્ટેટ મોનિટરિંગ સેલના IPSથી માંડી રાજ્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારી હોય કે પછી નેતાઓ બધુ જ જાણે છે છતાં જાણે કે ધૃતરાષ્ટ્ર બનીને બેઠાં છે. આસપાસના પાંચ રાજ્યોની ડિસ્ટીલરીમાંથી 500 રૂપિયા અને તેની આસપાસના ભાવે પડતી દારૂની બોટલ 1200 રૂપિયાના છૂટક ભાવે ડ્રાય-સ્ટેટ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં બમણાથી વધુ ભાવે વેચાતી વ્હિસ્કી, બિયરને ખરીદવાથી માંડી વેચાણ સુધીનું બૂટલેગરોનું નેટવર્ક ગુજરાત સરકાર કરતાં પણ વધુ મજબૂત છે. રાજ્યમાં કડક કાર્યવાહી માટે ઉભરી આવેલી સ્ટેટ વિજીલન્સ સેલની નવ સ્ક્વૉડમાં ડબલ ગેમ રમનારાં કેટલાં અને તેની સાફસુફી ક્યારે? તેવો સવાલ ચર્ચાય છે. ગાંધીનું ગુજરાત ધીમે ધીમે ઝૂમ બરાબર ઝૂમ એટલે કે દારૂ અને ડ્રગ્સની નશાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે. દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાં કે વેચનારાં પૈસા ફેંકી તમાશા કરી રહ્યાં હોય તેવી સ્થિતિ વચ્ચે સરકાર અને સરકારી તંત્ર કામગીરી કરતાં હોવાના દેખાડા કરી રહ્યાં છે.
1.77 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
અઠવાડિયા અગાઉ 1.77કરોડનો દારૂ ભરેલું ટેન્કરથી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ અમદાવાદ આવી રહ્યું હોવાની બાતમીથી વડોદરા ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી પકડી પાડ્યું હતું. આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજણ આહીરની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે. સાજણ આહીર અને બુટલેગરની વાતચીતની બે ઓડિયો ક્લિપ અને અન્ય ત્રણ ઓડિયો ક્લીપથી બુટલેગરોના ગુજરાતમાં દારૂના બેનંબરી નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં ડીજીપીના વડપણ હેઠળની સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ હાથ ધરી છે. જો યોગ્ય તપાસ થશે તો ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશથી સત્તાવાર રીતે બેનંબરી વેચાણ માટે ઠાલવવાના નેટવર્ક બેચમાં ઉત્પાદિત દારૂનો જથ્થો ગુજરાતમાં અને પોલીસ સાથેના મેળાપિપણાનો પર્દાફાશ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર
સ્થાનિક વેપારીના નામે બિલ બનાવી કાઢવામાં આવે છે દારૂનો જથ્થો
પોલીસ સૂત્રની ચર્ચા અનુસાર, ગુજરાત અને આસપાસના પાંચ રાજ્યોની ડિસ્ટીલરીઝમાં બેચ નંબર અનુસાર દારૂ અને બિયર બને છે. દારૂ અને બિયરનો જથ્થો સ્થાનિક વેપારીના નામના બિલ બનાવીને કાઢવામાં આવે છે. ડિસ્ટીલરીઝમાંથી દારૂનો બેનંબરી જથ્થો અન્ય વસ્તુઓના બેનંબરી બિલોથી ટ્રકો, કન્ટેનર, ઓઇલ ટેન્કર કે પછી નાની ગાડીઓમાં થોડી-થોડી પેટીઓમાં ગુજરાતમાં ઘુસાડવાનું આયોજનબદ્ધ નેટવર્ક બુટલેગરો ચલાવી રહ્યાં છે. હદ તો એ વાતની છે કે, ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીથી માંડી ઘણાં ખરાં આઈપીએસ કે નેતાઓ આ બધી જ બાબતો જાણતાં હોવા છતાં ધૃતરાષ્ટ્ર બનીને ગાંધીના ગુજરાતમાં દારૂનું બેનંબરી નેટવર્ક ચાલવા દે છે.
બીજા રાજ્યો કરતા બમણા ભાવે ગુજરાતમાં વેચાય છે દારૂ
બીજા રાજ્યોની ડીસ્ટલરીઝમાંથી જથ્થાબંધમાં 500 રૂપિયાથી 1000ના ભાવે મળતી દારૂની બોટલ ગુજરાતમાં 1200થી 3000ના ભાવે ગ્રાહક સુધી પહોંચે છે. વિદેશ કે બીજા રાજ્યમાં બેસી ગુજરાતમાં જથ્થાબંધ દારૂ પહોંચતો કરતાં મોટા ગજાના એકાદ ડઝન બૂટલેગરોને હાથ નીચે 200 જેટલા નાના બૂટલેગરો અને તેમના હાથ નીચે કાર્યરત ટુ વ્હીલર, કારમાં કે પછી ખાદ્ય પદાર્થોની ડિલીવરીના નામે હોમ ડિલીવરી કરતા 5000 જેટલા સપ્લાયર્સ દારૂના વેચાણમાં સક્રિય છે. મોટા બુટલેગરો બમણી કમાણી કરે છે તો સપ્લાયર્સને એક બોટલે 50થી 100 રૂપિયા મળે છે. પોલીસ તંત્રમાં બાંધેલા ભાવ અનુસાર, પૈસા ચૂકવાય છે. રાજ્યના ડીજીપીના સ્ટેટ સેલમાં કુલ 9 સ્ક્વૉડ કાર્યરત છે. તેમાં સાજણ આહીરની માફક ખરેખર ડબલ ગેમ રમનારાં પોલીસ કર્મચારીઓની સંખ્યા કેટલી તે સૌથી મોટો પ્રશ્ન છે. દારૂના દૂષણને ડામવા પોલીસ તંત્રમાં સાફસુફી પહેલી જરૂરિયાત છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ જુદી જુદી ઘટનામાં 4 લોકોના જીવ લીધા
ગુજરાતમાં બેનંબરી દારૂ-બિયર બમણા ભાવે વેચાણનું નેટવર્ક