Get The App

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર 1 - image


- એસીબી દ્વારા ફરાર પીએસઆઈ પી.ડી. રાઠોડની સઘન શોધખોળ

- પરિવારનો વરઘોડો નહીં કાઢવા પહેલા 5 લાખ માંગ્યા હતા : વચેટિયાએ લાંચ સ્વીકારી વૉટ્સએપ કોલથી વાતચીત કરતા પીએસઆઈએ સંમતિ દર્શાવી

આણંદ : આણંદના ખંભાત શહેર પીએસઆઈ પી.ડી. રાઠોડે ગૌમાંસ કેસમાં આરોપી ન બતાવવા અને પરિવારનો વરઘોડો નહીં કાઢવા રૂા. ૩ લાખની લાંચ માંગી હતી. ત્યારે આ અંગે એસીબીના છટકામાં લાંચ સ્વીકારતા વચેટિયો ઝડપાઈ ગયો છે. જ્યારે ફરાર પીએસઆઈ પી.ડી. રાઠોડની એસીબીએ શોધખોળ શરૂ કરી છે.

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ત્રણ લીમડી નાની છીપવાડ વિસ્તારમાં મસ્જિદની ગલીમાં એક મકાનમાંથી ગેરકાયદે ગૌમાંસનું વેચાણ કરતા ત્રણ આરોપીને ખંભાત શહેર પોલીસે ૨૫ દિવસ અગાઉ પકડી પાડયા હતા. શહેબાઝ ફઈમુદ્દિન શેખ અને નઈમુદ્દિન ફઈમુદ્દિન શેખને ગૌવંશનું માંસ કાપતા સમયે ઝડપી પાડયા હતા. માંસ પેટલાદના તાઈવાડામાં રહેતા મોહસીન સાબુદિન શેખને વેચવાનું હોવાનું પૂછપરછમાં ખૂલ્યું હતું. ૨૫ કિલો ગૌમાંસ, મોબાઈલ સહિત રૂા. ૧૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે માંસના નમૂના એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. આ અંગે તા. ૩-૭-૨૦૨૫ના રોજ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયો હતો.

ગૌમાંસના ગુનામાં પકડાયેલા આરોપીની કોલ ડીટેઈલમાં આ ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવ્યો હતો. જેમાં તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વરઘોડો નહીં કાઢવા બદલ ખંભાત શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી. રાઠોડે રૂા. પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રકમ ઘટાડીને રૂા. ૩ લાખ નક્કી કરાઈ હતી. 

ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી આણંદ એસીબીને જાણ કરી હતી. એસીબીએ તા. ૨૬મી જુલાઈએ લાલ દરવાજા, તાડછા હોટેલ ખાતે છટકું ગોઠવ્યું હતું. જેમાં આક્ષેપિત મોહમ્મદ ઈમરાને પંચોની હાજરીમાં રૂા. ૩ લાખની લાંચ સ્વીકારી લીધી હતી. બાદમાં આરોપીએ વૉટ્સએપ કોલથી પીએસઆઈ પી.ડી. રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે સંમતિ દર્શાવી હતી. 

આણંદ એસીબીએ વચેટિયા આરોપી મોહમ્મદ ઈમરાનને સ્થળ પરથી જ ઝડપી પાડયો હતો. જ્યારે પીએસઆઈ પી.ડી. રાઠોડ શક જતા ફરાર થઈ ગયો છે. ત્યારે એસીબીએ ફરાર પીએસઆઈ પી.ડી. રાઠોડની શોધખોળ શરૂ કરી છે.

Tags :