Get The App

અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર 1 - image


Ahmedabad News : ગુજરાત દારૂબંધીનો કાયદો અમલી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી, રાજ્યમાં દારૂ અને જુદા જુદા પ્રકારના ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં યુવાનો માટે દારુ તો ઠીક, ગાંજા જેવા નશીલા પદાર્થ પણ સહેલાઈથી મળી રહ્યાં છે. આ બાજુ સરકાર અને ખાસ કરીને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ બુટલેગરો અને ડ્રગ માફિયાનો ધંધો જોરદાર ચાલી રહ્યો છે. ખુદ મુખ્યમંત્રીના મતવિસ્તારમાં સરકારી સ્કૂલની બાજુમાં દારૂના અડ્ડા બેફામ ચાલી રહ્યા હતા ત્યારે સવાલ એ થાય કે પોલીસ તંત્ર એવી તો કેવી કામગીરી કરી રહી છે. ગૃહ વિભાગ એવી ગુલબાંગો પુકારતું રહે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, પરંતુ આવા બુટલેગરો અને ડ્રગ માફિયા કેમ છૂટા ફરી રહ્યાં છે તેનો સવાલ પ્રજાને હંમેશા થતો રહે છે. લોકમુખે એવી ચર્ચા છે કે પ્રજા પાસે હેલમેટ અને ટ્રાફિકના નિયમો મુદ્દે કેવી કડક કાર્યવાહી થાય છે તો આ દારુ અને ડ્રગ માફિયા સામે પોલીસના હાથ ટૂંકા કેમ થઈ જતા હશે. 

પોલીસનો દાવો છે કે, તેઓ પ્રોહિબિશન એક્ટ અને NDPS એક્ટ હેઠળ 'સઘન' કાર્યવાહી કરી રહ્યા છે. આમ છતાં, અમદાવાદ અને રાજ્યના અનેક શહેરોમાં દારૂ અને ડ્ર્ગ્સ પકડાય છે. ઘણાં ખરા કિસ્સામાં તો સ્થાનિક પોલીસ સ્ટેશનના થોડી જ મિનિટોના અંતરે જ ખુલ્લેઆમ નશાનો કારોબાર ઝડપાઈ ચૂક્યો છે. રાજ્ય સરકારનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વિવિધ જિલ્લામાં દરોડા પાડે છે, જે દર્શાવે છે કે સ્થાનિક પોલીસ આ દિશામાં પૂરતી સક્રિય નથી. આવા તો અત્યાર સુધી અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. જુહાપુરામાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ની ઓફિસની બરાબર સામે ₹3.42 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન સાથે એક યુવક ઝડપાયો હતો. 

આમ, રાજ્યના વિવિધ શહેરો અને ગામડાંમાંથી રોજેરોજ દારૂ કે નશીલા પદાર્થોના સમાચારો જાણે સામાન્ય થઈ ગયા છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં જ ગુજરાતમાંથી રૂ. 16 હજાર કરોડનું 87,607 કિલો ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. આઘાતજનક વાત એ છે કે, બિનસત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં નશાખોરીનો વેપલો કરતા માફિયા, બુટલેગરો, ગુંડા-મવાલીઓ, નાના-મોટા ડીલરો અને પેડલરોની સંખ્યા એક લાખ જેટલી છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં માંડ 2600 પેડલર્સ પકડાયા છે. 

અમદાવાદમાં નશાના વેપારના હોટસ્પોટ 

‘પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે’ એવા વારંવાર નિવેદનો વચ્ચે અમદાવાદના દાણીલીમડા, શાહ આલમ, જુહાપુરા અને વેજલપુર વિસ્તાર શહેરના પેડલિંગ હબ તરીકે ઉભરી આવ્યા છે. બીજી તરફ, સિંધુ ભવન, રાજપથ રંગોલી રોડ અને સાયન્સ સિટી જેવા સમૃદ્ધ વિસ્તારો MDMA અને મેફેડ્રોન જેવા ‘પાર્ટી ડ્રગ્સ’ ના વપરાશ માટે હોટસ્પોટ ગણાય છે. હાલમાં જ IIM રોડ પર બે શખસ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા, જે   કથિત રીતે વિદ્યાર્થીઓ માટે લવાયું હતું. હાલમાં દાણીલીમડામાં પણ એક પેડલિંગ પોઈન્ટ પરથી ₹23 લાખથી વધુના નશીલા પદાર્થો ઝડપાયા હતા. 

તાજેતરના આંકડાની જ વાત કરીએ તો વર્ષ 2025ના પહેલા છ મહિનામાં જ સૌથી વધુ દારૂ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સરદારનગર, નરોડા, ચરણ નગર, નિકોલ, અસારવા અને બાપુનગરમાંથી ઝડપાયો છે, જ્યાં નાના પાયે સિન્ડિકેટ સ્થાનિક સપ્લાય ચેઇન ચાલતી હોવાનું કહેવાય છે. 

આ પણ વાંચો: બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ

તો પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઘાટલોડિયા, સોલા, સાબરમતી અને ચાંદખેડા જેવા વિસ્તારો દારૂના જાણીતા હોટ સ્પોટ છે. આવા વિસ્તારોમાં ઘણીવાર રહેણાક વિસ્તારોમાં જ ગુપ્ત નેટવર્ક ચાલતું હોય છે. જેમ કે, જુલાઈમાં ઇસનપુરમાં એક કરિયાણાની દુકાનમાંથી મેફેડ્રોન ઝડપાયું હતું. માર્ચ મહિનામાં ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે આંતરરાષ્ટ્રીય પાર્સલમાંથી MDMA, હાઈબ્રિડ ગાંજો અને ચરસ મળી આવ્યું હતું, જેનું મૂલ્ય રૂ. 3.45 કરોડથી વધુ હતું. તો મે મહિનામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી અડધો કિલો મેફેડ્રોન સાથે મધ્ય પ્રદેશના બે યુવક ઝડપાયા હતા. આ સિવાય પૂર્વ-પશ્ચિમ અમદાવાદના અમુક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પણ ખુલ્લેઆમ ધમધમે છે, પરંતુ ગૃહ વિભાગ જાણે લઠ્ઠા કાંડની રાહ જોતો હોય એવું લાગી રહ્યું છે. 

નશાના વેપારીઓની મોડસ ઓપરેન્ડી

નશાના ગેરકાયદે વેપારને ચલાવવા માટે બુટલેગરો ચાલાકીભરી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. દારૂને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસાડવા તેઓ વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. તાજેતરમાં પાણીની ટાંકી, ફ્રૂટ કે શાકભાજીની ટ્રક, ટાયરો અને ઓઈલ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ પણ છે કે બુટલેગરો ઘણીવાર વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો પણ તેમની જાણ બહાર વાહક તરીકે ઉપયોગ કરે છે, જેથી પોલીસને શંકા ના જાય. આ ગેરકાયદે વેપારનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડમાં હોવાનું મનાય છે, જે દર્શાવે છે કે આ અત્યંત સંગઠિત ગુનાખોરી છે.

પકડાતો જથ્થો ‘ટિપ ઓફ ધ આઈસબર્ગ’

પોલીસ દ્વારા સમયાંતરે ડ્રગ્સ, ચરસ અને દારૂનો મોટો જથ્થો પકડવામાં આવે છે. જાણે દેખાડા પૂરતી કાર્યવાહી કરાય છે, પરંતુ આ તો માત્ર ‘ટિપ ઓફ ધ આઈસબર્ગ’ એટલે કે સમગ્ર વેપારનો એક નાનકડો હિસ્સો જ છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો કરોડો રૂપિયાના નશીલા પદાર્થો પકડાયા છે, પરંતુ વાસ્તવિકતામાં તેનાથી અનેક ગણો મોટો જથ્થો બજારમાં પહોંચી ચૂક્યો હોય છે. જ્યાં સુધી કાયદાનો કડક અમલ નહીં થાય અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા દૂર નહીં થાય, ત્યાં સુધી આ દૂષણ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે 

આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન

યુવાનો દેખાદેખીમાં પણ નશાખોરીના રવાડે   

ગુજરાતના યુવાનોમાં દેખાદેખીના કારણે દારૂના દૂષણે માઝા મૂકી છે. આ માટે કેટલાક સામાજિક કારણો પણ જવાબદાર છે. જેમ કે, ઘર-પરિવારથી દૂર રહેતા કેટલાક યુવક-યુવતીઓ દેખાદેખીમાં દારૂના રવાડે ચઢી જાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરોમાં અનેક સોસાયટીઓના રહેવાસીઓએ પીજી માટે કડક નિયમો રાખે છે અથવા પીજી પર જ પ્રતિબંધ મૂકી છે તેનું આ પણ એક કારણ છે. ખુલ્લેઆમ મળતા દારૂ માટે ગૃહ વિભાગ અને પોલીસ સામે પણ વારંવાર આંગળી ચીંધાઈ રહી છે. આવો જ એક તાજો દાખલો મુખ્યમંત્રીના વિસ્તાર ઘાટલોડિયામાં જોવા મળ્યો હતો, જ્યાં થોડા દિવસો પહેલા એક સરકારી સ્કૂલની બાજુમાં દારૂનો કારોબાર ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Tags :