Get The App

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન 1 - image


Ahmedabad Seventh Day School : શહેરમાં ચકચાર મચાવનારા વિદ્યાર્થીની હત્યા કેસ બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે એક નવા કાયદાકીય સંકટમાં ફસાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તપાસમાં આ સ્કૂલ દ્વારા જમીનના લીઝ કરારનો ગંભીર ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે AMC કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, AMCએ શૈક્ષણિક હેતુ માટે જે પ્લોટ ફાળવ્યો હતો, તે શરત મુજબ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવો જોઈતો હતો. જોકે, સ્કૂલ સંચાલકોએ આ પ્લોટ કંપનીના નામે લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ થયો છે અને પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું છે. અને ત્યારે બાદ ઈમ્પેક્ટ ફી પણ ભરી દીધી હતી. આ તમામ ગેરરીતિઓ જમીનના મૂળ લીઝ કરારનો ભંગ ગણાય છે.

આ ગંભીર કાયદાકીય ભંગના કારણે હવે AMC દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે. નિયમ મુજબ, આવા સંજોગોમાં ડીડ રદ કરવા અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીની જોગવાઈ છે. આ મામલો અત્યંત ગંભીર બન્યો છે, કારણ કે સંચાલકોએ સરકારી નિયમોની અવગણના કરીને જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીનનો દુરુપયોગ કર્યો છે.

AMCએ સ્કૂલ પાસે માગી આ વિગતો

AMC દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજોની માગણી કરવામાં આવી છે, જેમાં નીચેની મુખ્ય વિગતોનો સમાવેશ થાય છે:


- સ્કૂલની ધો.1થી12ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ

- વર્ગ વધારો હોય તેની પ્રમાણિત નકલ

- આસીએસઈ બોર્ડ સાથે જોડાણ મેળવવા ગુજરાત સરકારની મેળવેલ એનઓસીની નકલ

- સ્કૂલનું બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી

- સ્કૂલ મકાન તેમજ રમત ગમત મેદાનની માલિકી કે ભાડા કરારની પ્રમાણિત નકલ

- સ્કૂલના મકાનના તમામ ફ્લોરવાઈઝ સમક્ષ સત્તામંડળે માન્ય કરેલા નકશા

- સ્કૂલનું ટ્રસ્ટ ડીડ

- શાળાના પીટીઆરની નકલ

- એસીએસઈ બોર્ડ સાથેનું એફિલિએશન સર્ટિફિકેટ 

- સ્કૂલના તમામ બિલ્ડીંગની ફાયર એનઓસી

- સ્કૂલમાં ચાલતા તમામ ધોરણોની વર્ગવાર વિદ્યાર્થી સંખ્યા

- સ્કૂલના શિક્ષકોની લાયકાત સાથેની યાદી

- શિક્ષકોના પગારની એકાઉન્ટ નંબર સાથેની વિગતો

- સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજોની માન્યતાના આધારો

- કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા માટે આસીએસઈ બોર્ડ કે ગુજરાત બોર્ડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં.


Tags :