બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત
Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ 118 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 148 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ પછી રાજ્યમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.
બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવાર (9 ઑક્ટોબર) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10 ઑક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર
ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IMD અનુસાર, રાજ્યમાં 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું પડી શકે છે. જેથી રાજ્યમાં વરસાદની શક્યતા ન હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 3.31 ઇંચ, વલસાડમાં 1.46 ઇંચ, નવસારીના ગણદેવીમાં 1.22 ઇંચ, ચીખલીમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો, આજે બુધવારે (8 ઑક્ટોબર, 2025) સાંજે 4 વાગ્યા સુધીમાં 129 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જેમાં 155 ડેમ હાઇઍલર્ટ પર છે. જ્યારે 10 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે.