Get The App

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ 1 - image


Digital Fraud Case: ગુજરાત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલા સાથે થયેલા રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.

ગાંધીનગર ખાતેના સાયબર ક્રાઇમ સેલમાં આ કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત સાયબર ક્રાઇમના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, 1ઓક્ટોબરના રોજ મહિલાને ફોન કરીને આરોપીઓએ પોતે TRAI માંથી બોલતા હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ તેમને CBI અને RAW જેવી એજન્સીઓનો ડર બતાવ્યો હતો.

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ 2 - image

આરોપીઓએ પીડિત મહિલાને લગભગ 80 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ડરાવીને તેમની પાસેથી કુલ રૂ.11.42 કરોડની રકમ પડાવી લીધી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિનેશ લીંબચિયા, કશ્યપ બેલાની અને ધવલ મેવાડા નામના આરોપીઓની ધરપકડ કરી છે.

ફાઉન્ડેશનના નામે કરતા હતા નાણાકીય વ્યવહાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ એક ફાઉન્ડેશન ચલાવતા હતા અને ફ્રોડથી મેળવેલી રકમનો નાણાકીય વ્યવહાર તેના એકાઉન્ટમાં કરતા હતા. આ આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં અન્ય સાયબર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. તેમના પર મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં 11 જેટલા સાયબર ગુનાઓ નોંધાયા છે, જેમાંથી 3 ગુનાઓમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને 8 ગુનાઓની તજવીજ ચાલુ છે.

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટથી કેવી રીતે બચવું? EDએ લોકોને જણાવ્યું કે સમન સાચું છે કે ખોટું કેવી રીતે જાણવું એ...

ધરપકડ બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે, જેથી કરીને પોલીસ આ ફ્રોડના મૂળ સુધી પહોંચી શકે. પોલીસે આરોપીઓ પાસેથી 10 જેટલા મોબાઈલ ફોન અને 2 કમ્પ્યુટર સહિતના ડિજિટલ સાધનો પણ કબજે કર્યા છે. જોકે, પોલીસે હજી સુધી આ ફ્રોડમાં ગયેલી રકમની રિકવરી બાબતે કોઈ માહિતી આપી નથી.

સાયબર ફ્રોડથી બચવા જનતાને વિનંતી 

સાયબર ક્રાઇમ સેલના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જનતાને વિનંતી કરી છે કે કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તાત્કાલિક ટોલ ફ્રી નંબર 1930 પર ફરિયાદ કરવી. તેમણે લોકોને આવા ફોન કોલ્સ અને ડિજિટલ ધમકીઓથી સાવચેત રહેવા અપીલ કરી છે.

Tags :