Bhuj News : ભુજના જદુરા ગામે એક વર્ષ પહેલા ઘાતકી હથિયાર વડે પત્નીની હત્યા કરનારા પતિને ભુજ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હત્યાના બનાવની માનકૂવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ
મળતી માહિતી મુજબ, ભુજના જદુરા ગામના રહેવાસી સિધિક ઊર્ફે જુમલો ઉમર થેબા એક વર્ષ પહેલા તેની પત્ની મુમતાઝ અને દીકરી મહેક સાથે ગામ પાસેની સીમમાં લાકડા લેવા માટે ગયા હતા, ત્યારે સિધિકને આવેલા ફોન અંગે પત્નીએ પૂછપરછ કરતાં ઉશ્કેરાટમાં આરોપીએ મુમતાઝને કુહાડીથી માથા, પગમાં સહિતની જગ્યાએ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના ગત 2 ડિસેમ્બર, 2024માં બની હોવાનું જણાય છે.
ઘટના સમયે સ્થળ પર હાજર આરોપી દીકરી માતા પર થઈ રહેલા ઘાતક હુમલાના દ્રશ્યો ન જોઈ શકતાં ત્યાંથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે માનકૂવા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ મામલે પોલીસે અગત્યના પૂરાવા અને સાક્ષી કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમા ભુજ સેશન્સ કોર્ટના જજે આરોપીને સખત આજીવન કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે.


