Get The App

ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ 1 - image


Una Veraval Leopard Death: વાહનોથી સતત ધમધમતા રહેતા ઉના-વેરાવળ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં DSC સ્કૂલ નજીક એક દીપડો મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના 'હિટ એન્ડ રન'ની હોવાનું જાણવા મળી રહ્યું છે. વન વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજી ના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો

શું હતી ઘટના?

મળતી માહિતી અનુસાર, ઉના-વેરાવળ રોડ પર DSC સ્કૂલની નજીક રસ્તા પર એક દીપડો ગંભીર હાલતમાં પડ્યો હતો. જોતજોતામાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ હાઈવે પર પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા અને આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. માર્ગ પર દીપડાનો મૃતદેહ હોવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી.

વાહનની અડફેટે દીપડાનું મોત?

અકસ્માતને લઈને લોકોનું માનવું છે કે, પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહનચાલકે દીપડાને અડફેટે લીધો છે. જોકે, મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જો વાહનચાલકે દીપડાને ટક્કર મારી છે, તો તે વાહન હાલ ક્યાં છે? શું અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો છે કે પછી દીપડાના મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે? હાલ, આ તમામ બાબત તપાસનો વિષય છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પાલડીમાં PSIએ ગુસ્સામાં હદ વટાવી, મહિલાને સરાજાહેર લાફો ઝીંક્યો, વીડિયો વાઇરલ

વન વિભાગે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે દીપડાના મૃતદેહનો કબ્જો મેળવી ભીડને વિખેરી ટ્રાફિકને સામાન્ય કર્યો હતો. હાલ વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં વન્યપ્રાણીઓ અવારનવાર આટાફેરા મારતા હોય છે અને હાઈવે પર વાહનોની ભારે અવરજવરને કારણે અકસ્માતનો ભય સતત તોળાયેલો રહે છે.