અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 મહિનાની દીકરીના મોઢામાંથી લીંબુ જેવડી ગાંઠ કાઢવામાં આવી
અમદાવાદ, તા. 18 જુલાઈ 2020 શનિવાર
અમદાવાદના શાહીભાગ વિસ્તારના ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ કદની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતિમાંથી ઉષાબેન પસાર થઇ રહ્યા હતા. એક તરફ પતિની તકલીફ બીજી તરફ દિકરીની અસહ્ય વેદના. આમ બંને બાજુ તકલીફોથી ઘેરાયેલા ઉષાબેનને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ એક તકલીફમાંથી છુટકારો અપાવ્યો છે.
ઋષિકાને જીભ પર અસામાન્ય સોજો આવવાને કારણે ઉષાબેન પટણી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના તબીબોને બતાવવા .ગયા હતા તબીબી તપાસ દરમિયાન બાળકીને હિમેન્જીયોમાની એટલે કે જીભમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ હતું.
ભારે સોજો હોવાના કારણે સ્તનપાન અને ખોરાક લેવામાં પણ મુશ્કેલ બની રહ્યુ હતું. આ તમામ ગંભીરતાઓ ધ્યાને લેતા 8 મહિનાની ઋષિકાની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યુ. સિવિલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા ઋષિકાની સર્જરી હાથ ધરવામાં આવી હતી.