Get The App

જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ: શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા, અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળતા ચકચાર!

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ: શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા, અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળતા ચકચાર! 1 - image


Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોય તેમ છેલ્લા 12 કલાકમાં હત્યાની બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. શનિવાર (10મી જાન્યુઆરી) સાંજથી રવિવાર (11મી જાન્યુઆરી) સવાર સુધીમાં બનેલી આ ઘટનાઓએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે એક કેસમાં આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા રહસ્યમય કેસમાં તપાસ તેજ કરી છે.

પુત્રીના ઘરે મહેમાન બની આવેલા પિતાએ જ પત્નીની હત્યા કરી

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં કૌટુંબિક કલેશ લોહિયાળ સાબિત થયો છે. વતનથી પોતાની પુત્રીના ઘરે મહેમાન બનીને આવેલા એક પરપ્રાંતિય દંપતી વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. માતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ચોટીલામાં મંદિર પાસેના 40 ફૂટના રસ્તા પરનું 20 ફૂટનું દબાણ દૂર કરાયું, કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ ઘર્ષણ

ઓરડીમાંથી મહિલાનો ચાદરમાં લપેટેલો મૃતદેહ મળ્યો

બીજી ઘટના એમ.જે. ઉદ્યોગનગર વિસ્તારમાં સામે આવી છે. રબારીકા રોડ પર આવેલી એક અવાવરું ઓરડીમાંથી એક અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનો મૃતદેહ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો છે, જે દર્શાવે છે કે પુરાવાનો નાશ કરવા અથવા લાશને છુપાવવા પ્રયાસ થયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આડા સંબંધો કે અંગત અદાવતમાં થયેલી હત્યા હોવાનું મનાય છે.

પોલીસ એક્શન મોડમાં

શહેરમાં ઉપરાઉપરી થયેલી બે હત્યાઓને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉદ્યોગનગર વિસ્તારના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. અજાણી મહિલાની ઓળખ મેળવવા માટે આસપાસના કારખાનાઓમાં પૂછપરછ શરૂ કરી છે. ગુના સ્થળેથી મળી આવેલા પુરાવા આધારે શકમંદોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.