Get The App

ચોટીલામાં મંદિર પાસેના 40 ફૂટના રસ્તા પરનું 20 ફૂટનું દબાણ દૂર કરાયું, કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ ઘર્ષણ

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલામાં મંદિર પાસેના 40 ફૂટના રસ્તા પરનું 20 ફૂટનું દબાણ દૂર કરાયું, કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ ઘર્ષણ 1 - image


Chotila Demolition: યાત્રાધામ ચોટીલામાં માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા રવિવારે (11મી જાન્યુઆરી) વહેલી સવારથી જ વિશાળ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નવગ્રહ મંદિર નજીક કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. 

કલેક્ટર અને મહંત વચ્ચે ઘર્ષણ

ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ના પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે 40 ફૂટ પહોળાઈનો રસ્તો રાખેલ છે. પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે 10-10 ફૂટ જેટલું ગેરકાયદે દબાણ કરી 40 ફૂટનો રસ્તો માત્ર 20 ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આ રસ્તા પર પસાર થતા હાલાકી પડતી હતી. ત્યારે હવે રસ્તા પરના દબાણો દૂર થતા રસ્તો પહોળો થતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીમાંથી રાહત મળી છે.

આ પણ વાંચો: કચ્છમાં 'કાશ્મીર' જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદર!

જ્યારે તંત્ર નવગ્રહ મંદિર પાસેના ત્રણ માળના ગેસ્ટ હાઉસને તોડવાની કામગીરી કરી રહ્યું હતું, ત્યારે ચોટીલાના મહંતે આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા પર જ ભારે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિ વણસતા પોલીસે મહંત અને તેમના પરિવારના સભ્યોને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રતિસાદ અને રોષ જોવા મળ્યો હતો.

ભૂમાફિયાઓમાં ફફડાટ

તંત્રની આ કડક કાર્યવાહીથી ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. નાના પાળિયાદ અને મફતિયાપરા તરફના રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર બુલડોઝર ફરતા રસ્તાઓ હવે ખુલ્લા અને મોકળા બન્યા છે. આશરે 17 એકર જેટલી જમીન છે, તે ખુલ્લી કરી અને 105 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી.