મોડીરાતે બુકાનીધારી છ લબરમુછીયાઓએ ચાર મોબાઈલ લૂંટ્યા, એક કારને આંતરી તોડફોડ
લીંબાયતમાં આશાપુરી સોસાયટી સિધ્ધીવિનાયક મંદીર પાસે
યુવાનની કારને થોભવા ઈશારો કરી ઘાતક હથિયારોથી તોડફોડ કર્યાની ફરિયાદની તપાસમાં અન્યોને લૂંટયાની વિગતો બહાર આવી
- લીંબાયતમાં આશાપુરી સોસાયટી સિધ્ધીવિનાયક મંદીર પાસે
- યુવાનની કારને થોભવા ઈશારો કરી ઘાતક હથિયારોથી તોડફોડ કર્યાની ફરિયાદની તપાસમાં અન્યોને લૂંટયાની વિગતો બહાર આવી
સુરત, : સુરતના લીંબાયત આશાપુરી સોસાયટી સિધ્ધીવિનાયક ગણપતી મંદીર પાસે શનિવારે મધરાત બાદ ઘાતક હથિયારો સાથે ચાર અજાણ્યાઓએ ચાર વ્યક્તિના મોબાઈલ ફોન લૂંટ્યા બાદ મિત્રને મુકવા જતા યુવાનની કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો.જોકે, યુવાને કાર નહીં અટકાવતા અજાણ્યાઓએ કારના દરવાજા પર ફટકો મારી અને ડીકીની સાઇડમાં ઘારદાર હથીયાર મારી કાણું પાડી નુકશાન કર્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં નાના ભાઈ સાથે લીંબાયત આસ્તીકનગર વિભાગ 3 ઘર નં.13 માં રહેતો 26 વર્ષીય નિતેષકૂમાર નંદપ્રકાશ સિંગ મહાવીર માર્કેટમાં કાપડના પાર્સલની ડિલિવરીનું કામ કરે છે.ગત શનિવારે સવારે તે પોતાની કાર ( નં.યુપી-32-એનક્યુ-1855 ) લઈ મિત્ર અંકજ સાથે કામ પર ગયો હતો.શનિવારે રાત્રે 12.30 વાગ્યે તે મિત્ર અંકજને લીંબાયત મુકવા જતો હતો ત્યારે આશાપુરી સોસાયટી સિધ્ધીવિનાયક મંદિર પાસે ચાર અજાણ્યા તેની કાર સામે આવ્યા હતા અને કાર ઉભી રાખવા ઈશારો કર્યો હતો.જોકે, તેમના હાથમાં લાકડાના ફટકા અને ઘાતક હથિયારો હોય નિતેષકુમારે કાર ઉભી રાખી નહોતી.આથી અજાણ્યાઓએ ગાળો આપતા તેણે કાર ભગાવી હતી.
તેથી અજાણ્યાઓએ તેને તુમારી ગાડી ખડી રખો વરના તુમારે હાથ પેર તોડ ડાલેગે તેમ કહી એકે કારના પાછળના દવાજા પાસે ફટકો મારી જયારે બીજાએ ડીકીની સાઇડમાં ઘારદાર હથીયાર મારી કાણું પાડી નુકશાન કર્યું હતું.નિતેષકુમારે બાદમાં આ અંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતા અજાણ્યાઓએ નિતેષકુમારને અટકાવવા પ્રયાસ કર્યો તે પહેલા ચાર વ્યક્તિને અટકાવી તેમને ઘાતક હથિયારો બતાવી ચાર મોબાઈલ ફોનની લૂંટ કરી હતી.પોલીસે સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા તેમાં છ બુકાનીધારી લબરમુછીયા નજરે ચઢ્યા હતા.પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.