Get The App

ગુનાઇત કૃત્યાે આચરનાર લાલુ સિન્ધી ગેંગના મુખ્ય સાગરીત સુનિલ અદાની GUJCTOC હેઠળ ધરપકડ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
ગુનાઇત કૃત્યાે આચરનાર લાલુ સિન્ધી ગેંગના મુખ્ય સાગરીત સુનિલ અદાની GUJCTOC હેઠળ ધરપકડ 1 - image

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં વિદેશી દારૃનું મોટું નેટવર્ક ધરાવતી લાલુ સિન્ધી ગેંગના ૧૨ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ લાલુની સાથે મુખ્ય આરોપી મનાતા સુનિલ ઉર્ફે અદાની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

લાલુ સિન્ધી અને અન્ય સાગરીતોએ સંગઠીત ટોળકી બનાવી છેલ્લા ૧૦ વર્ષમાં વડોદરા તથા આસપાસના જિલ્લામાં ગુનાઓ કરી આતંક ફેલાવ્યો હતો.આ ટોળકી દ્વારા ખૂન, ખંડણી, ધાડ, ખોટા દસ્તાવેજો બનાવવા, રાજ્ય સેવક  પર હુમલો, આર્મ્સ એક્ટ તથા વિદેશી દારૃની  હેરાફેરીના મળી કુલ ૧૦૬ ગુનાઓ આચરવામાં આવ્યા છે.જેમાં ૧૨ આરોપીઓ સામે છેલ્લા ૧૦ વર્ષમાં બે કે બે કરતા વધુ ૮૧ ગુનાઓ દાખલ થયા હતો અને આ તમામ ગુનાઓમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

લાલુ સહિતના ૧૨ આરોપીઓ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનાની તપાસ એસીપી પીએન કટારિયાને સોંપવામાં આવી હતી.તાજેતરમાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં એસએમસીએ પકડેલા રૃ.૪૩ લાખના દારૃના કેસમાં સુનિલ અદાનું નામ સામેલ હોવાથી તેને હરિયાણાના ગુડગાંવ ખાતેથી ઝડપી પાડી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

ગુજસીટોકના ગુનામાં અગાઉ પોલીસે મુકેશ નારાયણદાસ માખીજાની (રહે. મંગલા મારવેલ સોસાયટી, તરસાલી) ની ધરપકડ કરી હતી.જ્યારે,હવે  સુનિલ ઉર્ફે અદો  પ્રકાશભાઇ કેવલરામાણી ( રહે. રોયલ હાઇટ્સ, વારસિયા) ની ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે.સુનિલના રિમાન્ડ પણ માગવામાં આવનાર છે.જ્યારે,મુખ્ય આરોપી લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી હેમંતદાસ ખાનાણી (રહે.એસ.કે. કોલોની, વારસિયા) સહિતના આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ટીમો પણ બનાવવામાં આવી છે.