નર્મદા જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ઝરવાણી ગામે ખાડી પાર કરવા લોકોએ થાંભલા ગોઠવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada News: કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જાહેર કરાયેલો છે. આ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડોના વિકાસના કામો ફાળવવામાં આવે છે. જોકે, આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસીઓને તો મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. ચોમસાની સિઝનમાં તો આદિવાસીઓએ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે પણ જીવનું જોખમ લેવું પડે છે. કારણ કે, અહીં પાકા રસ્તાનો અભાવ છે.
જીવના જોખમે મુસાફરી
નર્મદા જિલ્લાના ગરુદેસ્વર તાલુકાના ઝરવાણી ગામે વસવાટ કરતાં આદિવાસીઓ ચોમાસાની ઋતુમાં જીવના જોખમે ગામમાંથી વહેતી ખાડી ઉપરથી અવર જવર કરી રહ્યા છે. ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધે તો પાણીના પ્રવાહમાં વહીને જીવ પણ ગુમાવવો પડી શકે છે. તેમ છતાં લોકો જીવનું જોખમ ખેડી ખાડી ઓળંગીને અવર-જવર કરતાં હોય છે.
આ પણ વાંચોઃ વડોદરામાં તાજિયા વિસર્જન માટે તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવા સામે સ્થાનિકોનો વિરોધ
ખાડી પર કામચલાઉ ધોરણે ગોઠવ્યા વીજળીના થાંભલા
ઝરવાણી ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી ચોમાસાની સિઝનમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે. એવામાં ત્યાંથી પસાર થવા માટે ગામના લોકોએ કામચલાઉ ધોરણે જાતે જ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં તેમણે ભેગા મળીને ખાડી ઉપરના ધોધ પાસે બંને સાઇડ કવર કરીને વીજ થાંભલા ગોઠવ્યા છે અને જીવના જોખમે ગ્રામજનો આ થાંભલા પરથી અવર જવર કરી રહ્યા છે.

નોંધનીય છે કે, જ્યારે-જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓથી માંડીને તમામ રાજકીય પાર્ટીઓને આદિવાસી અને આદિવાસીઓનો વિકાસ યાદ આવી જાય છે. પરંતુ, આઝાદીના આટલા વર્ષો છતાં હજુ આ લોકોને પાયાની મૂળભૂત સુવિધા પૂરી નથી પાડી શકતા. ક્યારેક આ લોકોએ વરસાદમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે તો ક્યારેક બીમાર અને પ્રસૂતાને ઝોળીમાં નાંખીને હૉસ્પિટલ લઈ જવી પડે છે. તેમ છતાં સરકાર કે તંત્રની આ લોકો પ્રત્યે સહાનુભૂતિ દેખાતી નથી.
એસ્પિરેશનલ જિલ્લો એટલે શું?
ભારત સરકાર તરફથી વર્ષ 2018માં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની શરુઆત કરવામાં આવી હતી. આખા દેશમાં 117 જિલ્લા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સ્કીમ અંતર્ગત 5 વિસ્તાર તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેમાં હેલ્થ એન્ડ ન્યુટ્રીશિયન, શિક્ષણ, એગ્રીકલ્ચર એન્ડ વોટર રિસોર્સ, ફાયનાન્શિયલ ઇન્ફ્લૂજન એન્ડ હેવી ડેવલપમેન્ટ તેમજ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો ખાસ હેતુ જિલ્લાને બદલવાનો છે જેથી જીવન સ્તર સુધારી શકાય.









