સુરત તા. 20 જુલાઇ 2020 સોમવાર
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામના ઠેકાણે ટ્રકમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ખીચોખીચ મજૂરોને ભરીને લાવવાનો વિડીયો વાઇરલ થવાની ઘટનામાં ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત હોવા છતા કેટલાક તેનું પાલન કરી રહ્યા નથી. આવી જ વધુ એક ઘટનાનો વિડીયો ગત રોજ સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. કોરોના સક્રમીત દર્દીઓને જયાં સારવાર આપવામાં આવી રહી છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પુરઝડપે કોવિડ 19 હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ માટે બહારથી મજૂરો લાવવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે એક ટ્રકમાં ખીચોખીચ ભરીને અંદાજે 50થી વધુ મજૂરોને લાવવામાં આવ્યા હતા અને આ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. જેથી હરકતમાં આવેલી ખટોદરા પોલીસે ડિસ્ટન્સ જાળવ્યા વિના મજૂરોનું વહન કરનાર ટ્રક ચાલક કૈલાશ રાયસિંહ બઘેલ (ઉ.વ. 22 રહે. પીએસપી, ડાયમંડ બુશ, ખજોદ) વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

