કચ્છ યુનિ.થી ડિગ્રી મેળવનાર મુસ્લિમ વિદ્યાર્થિનીએ શ્રીરામકિર્તી મહાકાવ્ય પર સંસ્કૃતમાં Ph.D કર્યું
Kutch News: કચ્છ યુનિવર્સિટીની મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત માઘ્યમમાં પીએચડી કરીને શ્રીરામકિર્તી મહાકાવ્ય પર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. શ્રીરામકિર્તી મહાકાવ્યમને દિલ્હીના ડૉ.સત્યવ્રત શાસ્ત્રી દ્વારા રચવામા આવ્યું હતું. જે થાઈલેન્ડની થાઈ ભાષામાં લખાયેલી રામાયણ પરથી સંસ્કૃતમાં તૈયાર કરવામા આવ્યુ છે.
યુનિવર્સિટીઓમાં દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ પીએચડી કરતા હોય છે. જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ગુજરાતી,હિન્દી કે અંગ્રેજી ભાષામાં-માઘ્યમમાં પીએચડી કરતા હોય છે. સંસ્કૃત વિષય હાલના સમયમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે, તેમાં પણ સંસ્કૃત ભાષામાં-માઘ્યમમાં પીએચડી કરવુ મુશ્કેલ બનતું હોય છે. પરંતુ કચ્છ યુનિવર્સિટીની એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃતમાં પીએચડી કર્યુ છે અને તેમાં પણ શ્રીરામકિર્તી મહાકાવ્યમ જેવા પૌરાણિક અને અતિરસપ્રદ વિષયમાં અનેક મહિનાઓના સંશોધન બાદ મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે.
કચ્છની સરકારી એવી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલા કોન્વોકેશનમાં મુસ્લિમ વિદ્યાર્થિની યાસ્મીન હારૂન માંજોઠીને આ મહાશોધ નિબંધ બાદ પીએચડીની ડિગ્રી એનાયત કરવામા આવી હતી. કચ્છ યુનિ.ના સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.પંકજ ઠાકરના માર્ગદર્શનમાં યાસ્મીને 450 પેજનો મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો: કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો
યાસ્મીને આ અંગે જણાવ્યું કે સ્કૂલ સમયથી જ એટલે કે ધો.11-12થી સંસ્કૃત વિષય ખૂબ જ પસંદ હતો અને જેથી કચ્છ યુનિ.માંથી સંસ્કૃત સાથે બીએ કર્યુ હતુ અને ત્યારબાદ સંસ્કૃત સાથે એમએ કર્યુ હતું. કચ્છના મુદ્રા તાલુકાના વડાલ નજીકના ગામની વતની એવી યાસ્મીન કહે છે કે શરૂઆતમાં મેં ભગવદગીતા પર શોધનિબંધ કરવાનું પસંદ કર્યુ હતુ પરંતુ પાછળથી મારા ગાઈડ સાથે ચર્ચા કર્યા બાદ આ વિષયમાં મને વધુ રસ પડ્યો હતો. શ્રીરામકિર્તી મહાકાવ્યમ ભારતના પ્રખર સંસ્કૃતવિદ ડૉ.સત્યવ્રત શાસ્ત્રી દ્વારા સંસ્કૃતમાં તૈયાર કરાયુ છે.
જ્યારે થાઈલેડન્ડની રાજકુમારીને તેઓ સંસ્કૃત શીખવવા માટે થાઈલેન્ડ ગયા હતા ત્યારે ત્યાં દસ વર્ષ રહીને તેઓએ થાઈ રામાયાણનો અભ્યાસ કર્યો હતો.આ મહાકાવ્યમાં 700 શ્લોક છે. થાઈ રામાયણ ભારતીય વાલ્મીકી રામાયણથી અલગ છે. જેમાં કેટલાક પાત્રો અને ઘટનાક્રમ અલગ છે. થાઈ રામાયણમાં હનુમાનજી બ્રહ્મચારી નથી પરંતુ તેઓના લગ્ન થયાનું અને બાળકો હોવાનુ દર્શાવાયુ છે. યાસ્મીન હાલ મુદ્રાના વડાલાની સરકારી પ્રાથમિક શાળામાં ધો.6થી8માં મુખ્ય શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવે છે.
માતા-પિતા ખુશ થયાઃ સમાજે પણ સન્માન કર્યુ
સંસ્કૃતમાં પીએચડી કરનાર યાસ્મીન કહે છે કે હું મારા માંજોઠી સમાજમાં પીએચડી સુધી ભણનાર અને તેમાં પણ સંસ્કૃતમાં અભ્યાસ કરનાર પ્રથમ છું.મારા માતા-પિતા ખૂબ જ ઓછું ભણેલા છે તેથી તેઓને આર્ટસ-કોમર્સ,સાયન્સ અને સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ વિશે ખબર ન હતી. પરંતુ જ્યારે મેં સંસ્કૃતમાં પીએચડી શરૂ કર્યુ ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા અને મને સંસ્કૃતમાં વાતો કરવાનું કહેતા. ઉપરાંત સંસ્કૃતમાં પીએચડી સુધી અભ્યાસ કરવા બદલ મારા સમાજ દ્વારા પણ મારું સન્માન કરાયુ છે.પીએચડીના આ અભ્યાસમાં મારા માતા-પિતા અને પતિનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે.