3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં
Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં આજે (25મી ઓગસ્ટ) વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. બીજી તરફ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 21 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ
હવામાંન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
26મીથી 27મી ઓગસ્ટની આગાહી
26મીથી 27મી ઓગસ્ટના રોજ રાજ્યના 20 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ-યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
28મીથી 30મી ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી 28થી 30 ઓગસ્ટ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.