Gujarat

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત

By GS TEAM
12 Nov 20252 mins read
TukuTouch Logo
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત

Kutch Crime News:  કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી.

પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડ્યાં હતાં. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા.

આ પણ વાંચો: અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત

આ ઘટના સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરીએ હોવાથી ઘરે હાજર ન હતા. મૃતક રૈયાબેનને સંતાનમાં ત્રણ દીકરી હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.