અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત

Ahmedabad Crime News: અમદાવાદના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે સોમવારે મોડી સાંજે બે અજાણ્યા શખ્સો દ્વારા કથિત રીતે ધક્કો મારવામાં આવતા 55 વર્ષીય એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ જ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ ઘટના બાદ તરત જ ભાગી જતા કેમેરામાં કેદ થયા છે.
મૃતકની ઓળખ નથુસિંહ રાઠોડ (ઉં.વ. 55) તરીકે થઈ છે, જેઓ અમદાવાદમાં એક ખાનગી ટ્રાવેલ બુકિંગ એજન્સીમાં નોકરી કરતા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નથુસિંહ રાઠોડ કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વાળીનાથ ચોક પાસે બે શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન એક શખ્સે કથિત રીતે તેમને ધક્કો માર્યો, જેના કારણે રાઠોડ જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.આર. ભાવેએ જણાવ્યું હતું કે, ' નથુસિંહ રાઠોડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.'
આ પણ વાંચો: ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે ત્રીસેક વર્ષની વયના બે શંકાસ્પદ શખ્સો ઘટના પહેલા તે વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. પોલીસને નજીકની દુકાનો અને ટ્રાફિક કેમેરાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં આ બંને શખ્સો રાઠોડને ધક્કો મારીને ચાલતા ભાગી જતા દેખાય છે. અમે ફૂટેજમાંથી બે શખ્સોની ઓળખ કરી છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.'
પરિવારજનોએ પોલીસ સ્ટેશને કર્યો હોબાળો
આ ઘટના બાદ મંગળવારે સવારે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. રાઠોડના પરિવારજનો અને સ્થાનિકો તેમના મૃતદેહને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે આ ધક્કો ઇરાદાપૂર્વકનો હતો અને આ ઘટનાને સદોષ મનુષ્યવધ ગણીને ગુનો નોંધવાની માંગ કરી છે.
જોકે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેથી મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શકે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃત્યુનું કારણ હજુ સ્થાપિત થવાનું બાકી છે. રિપોર્ટ મળ્યા બાદ અમે વિગતવાર એફઆઈઆર નોંધીશું.
નોંધનીય છે કે, મૃતક નથુસિંહ રાઠોડ મેમનગર વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને બે દાયકાથી વધુ સમયથી ટ્રાવેલ બુકિંગના વ્યવસાયમાં હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

