| (IMAGE - wikipedia) |
Kutch Earthquake 25 Years: 26 જાન્યુઆરીના રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન-5માંથી આગળ વધારીને ઝોન-6માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેવા કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના કુલ 32 ભૂકંપ નોંધાયા છે, જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે.
સૌરાષ્ટ્ર પણ હવે હાઈ-રિસ્ક ઝોનમાં
ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR)માં વર્ષ 2012થી નોંધાયેલા મોટા ભૂકંપોની વિગત અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 5.3ની તીવ્રતાનો ધરતીકંપ 14 જૂન, 2020ના રોજ નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2018 અને 2020માં 4.8ની તીવ્રતાના આંચકા પણ અંકિત થયા છે, જ્યારે ચાલુ વર્ષમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર આંચકો નોંધાયો છે. બીજી તરફ, નવા નિર્ધારિત ધોરણો મુજબ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ ભૂકંપ સંભવિત ઝોન-4 અને ઝોન-5માં સમાવેશ થાય છે.
સમાન તીવ્રતાના આંચકાની હારમાળા
સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો મોટાભાગે 'સ્વાર્મ' પ્રકારના હોય છે; જેનો અર્થ એ છે કે, કચ્છની જેમ એક મોટા ભૂકંપ બાદ અનેક આફ્ટર-શોક આવવાને બદલે અહીં ટૂંકા સમયગાળામાં ઉપરાઉપરી લગભગ સમાન તીવ્રતાના ભૂકંપોની હારમાળા સર્જાય છે. તાજેતરમાં જ ઉપલેટા અને તાલાલા પંથકમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જો કે, રાજકોટ, ઉપલેટા, ઉના અને તાલાલા જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં 4થી વધુ તીવ્રતાના ભૂકંપો પણ નોંધાઈ ચૂક્યા છે.
લેન્ડસ્કેપમાં મોટા ભૌગોલિક પરિવર્તનો
કચ્છમાં આવતા ભૂકંપો માત્ર સામાન્ય નથી પરંતુ અત્યંત જટિલ પણ છે; જ્યાં અગાઉથી જ KMF, KHF, સાઉથ વાગડ, ગેડી ફોલ્ટ અને આઈલેન્ડ બેલ્ટ જેવી ફોલ્ટલાઈનો ભૂકંપીય ગતિવિધિની દ્રષ્ટિએ સક્રિય છે. આ ઉપરાંત, હવે કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે 'ઉલટ કોટડા' તરીકે ઓળખાતી નવી ફોલ્ટલાઈન પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે કચ્છના ભૌગોલિક લેન્ડસ્કેપમાં મોટા પરિવર્તનો નોંધાયા છે.

ભય નહીં, જાપાન જેવી સજ્જતાની જરૂર
જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપની આગાહી વરસાદની જેમ શક્ય નથી, તેથી તેનો વ્યર્થ ભય રાખવાને બદલે જાપાનની જેમ સજ્જતા કેળવવી જરૂરી છે. જાપાનમાં જે રીતે સતત તીવ્ર ભૂકંપો વચ્ચે પણ સ્કૂલ, હોસ્પિટલ અને ફ્લેટમાં પૂર્વ તૈયારીની ટેવ વિકસાવવામાં આવી છે, તેમ આપણે પણ બાંધકામોને વધુ મજબૂત કરવા સાથે ભૂકંપ સુરક્ષાની આદત કેળવવાની જરૂર છે.
વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશ હોવા છતાં, જાપાનના લોકો કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર જીવે છે અને ત્યાં સરેરાશ આયુષ્ય 80 વર્ષથી પણ વધુ છે. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ જાપાન પાસેથી આ જીવનશૈલી અને સજ્જતા શીખવા જેવી છે.
4.0નો ભૂકંપ એટલે કેટલો શક્તિશાળી?
ભૂકંપનું માપન મેગ્નિટ્યુડમાં કરવામાં આવે છે, જેમાં તીવ્રતાનો વધારો સીધો(Linear) નથી હોતો. દાખલા તરીકે, 3.0ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ એ માત્ર 25 ટકાનો વધારો નથી, પરંતુ તે ધરતીને 10 ગણી વધુ શક્તિથી ધરતીને હલબલાવે છે અને તેનાથી 32 ગણી(આશરે 3200 ટકા) વધુ એનર્જી મુક્ત થાય છે. એ જ રીતે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા 2.5ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ આશરે 178 ગણો વધુ શક્તિશાળી હોય છે, જે લગભગ 6 ટન ટીએનટી(TNT) જેટલી પ્રચંડ ઊર્જા છોડે છે.


