Gujarat

મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થતા ખેડૂતોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું

By GS Team
8 Feb 20221 min read
This article was originally published on 8 Feb 2022
મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થતા ખેડૂતોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું

મોડાસા,તા.7

અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડ ખાતે સીઝનમાં પહેલીવાર ઘઉંની આવક થતાં જ વેપારીઓમાં આનંદ પ્રસર્યો હતો. અને સોમવારના રોજ યાર્ડ ખાતે ઘઉં વેચવા ઉપસ્થિત ખેડૂતોનું મોડાસા યાર્ડ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું. પ્રથમ દિવસે પાંચ જેટલા ખેડૂતો ઘઉંનો જથ્થો લઈ આવ્યા હતા. આગામી દિવસોમાં  મોટાપ્રમાણમાં યાર્ડ ખાતે વેચાણ અર્થે ઘઉંની આવક અને ભાવ મળી રહે તેમ મનાઈ રહયું છે.

અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૬૫૯૧૫ હેકટરમાં ઘઉંનું મબલખ વાવેતર કરાયું છે. સમય બાદ પાક તૈયાર થઈ જતાં સોમવારના રોજ જિલ્લામાં પ્રથમવાર ઘઉં વેચાણ અર્થે મોડાસા યાર્ડમાં પાંચ ખેડૂતો આવ્યા હતા.મોડાસા યાર્ડ ખાતે ઘઉં વેચવા આવેલા ખેડૂતોનું યાર્ડ પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે યાર્ડના ઈન્સ્પેકટર કૌશિકભાઈ ગોર સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા. જયારે પ્રથમ દિવસે સીઝનની પહેલી ખરીદીમાં ઘઉંનો ભાવ પ્રતિમણે રૂ.૪૨૫ થી ૪૩૨ રૂપિયા પડતાં ખેડુતોમાં રાહત વર્તાઈ હતી. મોડાસા તાલુકાના વિવિધ  વિસ્તારમાંથી પાંચ જેટલા ખેડુતો પ્રથમ દિવસે ઘઉંનો જથ્થો લઈને આવ્યા હતા. અને આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં યાર્ડ ખાતે ઘઉંની આવક થશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.