'રસ્તા પર ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો...' શિક્ષણ મંત્રી ડિંડોરનું નિવેદન
Panchmahal News: ચોમાસામાં વરસાદે જ ભાજપ સરકારની પોલ ઉઘાડી પાડી છે. કારણ કે એક જ વરસાદના પાણીમાં મોટાભાગના રસ્તા ધોવાયા છે અને ઠેર ઠેર ખાડા પડ્યાં છે પરિણામે લોકોમાં સરકાર સામે આક્રોશ ભભૂક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લોકોના ઘા પર જાણે મીઠું ભભરાવ્યું છે. ગોધરામાં એક સમારોહમાં તેમણે સરકારની નિષ્ફળતા ઢાંકવા એવું કહ્યું કે, 'રસ્તા પર ખાડા પડે તો, કઈ સરકારમાં ફોન કરવાના ન હોય, પાવડો-તગારો, માટી લઈ આવો, ને ખાડો જાતે પૂરી દો. નાગરિક ધર્મ તો નિભાવો....'
કુબેર ડિંડોરે ગુજરાતની જનતા પર દોષનો ટોપલો ઢોળ્યો
છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાત પર ભાજપનું શાસન રહ્યુ છે. લોકો ખોબલે ખોબલે મતો આપી રહ્યાં છે તેમ છતાંય લોકો અનેક પ્રશ્નોથી પીડિત છે. આ ચોમાસામાં તો આખાય ગુજરાતમાં રસ્તાઓની એવી દશા થઈ છેકે, ખુદ ગુજરાત સરકારના મતે જ રસ્તા પર 25 હજારથી વધુ ખાડાઓનું સમારકામ કરાયું છે. આ પરથી અંદાજ લગાવી શકાય કે, રસ્તાઓની કેવી દશા થઈ હશે. હજુય ઘણાં શહેરો અને વિસ્તારોમાં રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડ્યાં છે. આ કારણોસર જ સરકાર પર ચારેકોરથી માછલા ધોવાઇ રહ્યાં છે. જનઆક્રોશ એટલો ભભૂક્યો છે કે, મંત્રીઓ જ નહીં, ધારાસભ્યો પણ લોકો વચ્ચે જઇ શકે તેવી સ્થિતિમાં નથી.
આ પણ વાંચો: અંગદાનમાં આપણું ગુજરાત દિલ્હી, મહારાષ્ટ્રની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને
ગોધરામાં એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લોકો પર દોષનો ટોપલો ઢોળતાં કહ્યુ કે, 'લોકો નાગરિક ધર્મ જ ભૂલી ગયા છે. લોકો હવે કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરકાર પાસે જ માંગે છે. એવુ ન હોય. જો રસ્તામાં ખાડા પડ્યો હોય તો કઇ સરકારને ફોન કરાય નહીં. જાતે ખાડા પૂરો. ખાડો પૂરતાં કેટલી વાર લાગે. લોકો નાગરિક ધર્મ તો નિભાવે. બધીય કામગીરી કઈંક તંત્ર કે સરકાર જ કરે. કેટલાંક કામો તો જનતાએ જાતે પણ કરવા જોઇએ.'
ટૂંકમાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાઈ જતાં ઠેર ઠેર ખાડા પડ્યાં છે, ત્યારે સ્થાનિક તંત્ર લોકોની ફરિયાદ સાંભળતું નથી. અધિકારીઓને પ્રજાની સમસ્યા ઉકેલવામાં રસ નથી. ખુદ મંત્રીઓનું અધિકારીઓ સાંભળવા તૈયાર નથી. આ કારણોસર સરકારની નિષ્ફળતા ઢાંકવા મંત્રી કુબેર ડિંડોરે નાગરિક ધર્મનું બહાનું ધરી ગુજરાતની જનતા પર દોષનો ટોપલો ઢોળ્યો છે જેથી લોકો ભડક્યાં છે.