mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં, ટિકિટ રદ કરો', ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ

Updated: Apr 3rd, 2024

'રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં, ટિકિટ રદ કરો', ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ 1 - image


Parshottam Rupala Controversy : રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારબાદથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યું છે. ગઈકાલે (2 એપ્રિલ) ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે.

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી.

'રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં, ટિકિટ રદ કરો'

ક્ષત્રિય સમાજે કહ્યું કે, 'પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.' 

આવતીકાલે રૂપાલા ટિકિટ પરત ખેંચે : કરણસિંહ ચાવડા

બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે, 'આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી સમગ્ર ગુજરાત રહેશે. રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે.'

અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતિએ ફગાવી : ભુપેન્દ્ર સિંહ ચુડાસમા

ભાજપ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, 'ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. હવે બીજી કોઈ બેઠક નહીં થાય. સંકલન સમિતીના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતીએ એક સ્વરમાં ફગાવી છે. આજની બેઠકમાં તમામને સાંભળ્યા છે એ વાત અક્ષર સહ પાર્ટી સમક્ષ રજૂ કરીશું.

અમદાવાદમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક

આજે અઢી વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર છે. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલા આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મિનીબા વાળા પણ બેઠકમાં હાજર રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં આમંત્રણ ન મળતા પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેમને બેઠકમાં બોલાવાયા હતા. મહત્વનું છે કે, ક્ષત્રિય સમાજની કોર કમિટિની બેઠકથી મીડિયાને પણ દૂર રખાયું હતું.

ભાજપ સાથેની બેઠક પહેલા ક્ષત્રિય આગેવાનોની બેઠક 

રૂપાલાના નિવેદન બાદથી રાજ્યભરમાં ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિયો પરષોત્તમ રૂપાલાની બેઠક રદ કરવાની માંગણી કરી રહ્યા છે. આ વચ્ચે આજે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી છે. આ અગાઉ આજે ક્ષત્રિય આગેવાનોની 15 સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. 

રાજ્યના ચૂંટણી પંચની રૂપાલાને મોટી રાહત

ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી મામલે રાજ્યના ચૂંટણી પંચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રૂપાલા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઇ હતી. જેના પર તપાસ હાથ ધરવા માટે નોડલ ઓફિસર અને એક પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. માહિતી મુજબ તમામ વીડિયો અને પુરાવાઓની તપાસ બાદ ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરને આ મામલે તપાસનો રિપોર્ટ મોકલાયો હતો અને ત્યાંથી આ રિપોર્ટ ચૂંટણી પંચને સુપરત કરાયો હતો. તપાસ રિપોર્ટના આધારે જ રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દેતાં ભાજપે રાહતના શ્વાસ લીધા હતા.

શું હતો સમગ્ર વિવાદ?

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.

Gujarat