કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
Ahmedabad Accident: ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કડક વલણના પગલે ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે તેની મોંઘીદાટ ફોર્ચ્યુનર કાર વડે એક નિર્દોષ એક્ટિવાચાલકનો જીવ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવાની જયહિન્દ સોસાયટીમાં રહેતા અને સેલ્સમેન તરીકે નોકરી કરતા મહેન્દ્ર ગોહિલ પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. તે સમયે આદિત્યસિંહ રાઠોડે પોતાની કાર બેફામ ગતિએ હંકારીને મહેન્દ્રભાઈના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ પણ વાંચો: ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન
અકસ્માત સર્જાયા બાદ કારચાલક આદિત્યસિંહ રાઠોડ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જોકે, આ ઘટના બાદ આદિત્યસિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતાની કારમાં હથિયારો સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કારચાલક આદિત્યસિંહ રાઠોડના પિતા અને દાદા બંને કુખ્યાત બુટલેગર તરીકે જાણીતા છે. પોલીસે આદિત્યસિંહ રાઠોડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલ અને બાપુનગરમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ પોલીસ વડાએ રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર હતી. જેમાં 3264 બુટલેગરોનો સમાવેશ કર્યો હતો. આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે અમદાવાદમાંથી કેટલાક બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જનાર બુટલેગર પરિવાર સામે આ પ્રકારે કોઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ તો આગામી સમય બતાવશે.