Get The App

ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન 1 - image


Bhavnagar Mayor Bharat Barad U Turn: ભાવનગર શહેર ભાજપના આંતરિક વિખવાદો વચ્ચે ભાવનગરના મેયર ભરત બારડે અગાઉ સોશિયલ મીડિયા ગ્રૂપમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે તેમના સૂર બદલાયા છે. મેયરે સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઈને દબાવવાનો નહોતો અને તેમને કોઈ દબાવવા માંગે તેવું પણ નથી.

આત્મવિલોપનની ચીમકી બાદ યુ-ટર્ન

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ શહેર ભાજપમાં આંતરિક વિખવાદો ચરમસીમાએ પહોંચ્યા છે. આ દરમિયાન, મેયર ભરત બારડે એક ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ‘મને ખોટી રીતે દબાવાશે તો જાહેરમાં આત્મવિલોપન કરીશ’ તેવી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો અને ગ્રૂપ એડમિને તાત્કાલિક મેયરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

જોકે, આત્મવિલોપનની ચીમકી બાદ મેયર ભરત બારડે હવે અલગ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 'મેં મારા પરિવારમાં વાતમાંથી વાત કરી, તેનો કોઈ અર્થ નથી. મેં કોઈને દબાવવા માટે કર્યું નથી, મને કોઈ દબાવવા માંગે એવું પણ નથી.'

આ પણ વાંચો: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

'ભાજપમાં કામગીરીને કારણે મેયર બન્યો, લાગવગથી નહીં.'

મેયરે પોતાની ઓળખ ભાજપના સિનિયર કાર્યકર્તા તરીકે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'હું ભાજપનો સિનિયર કાર્યકર્તા છું, 45 વર્ષથી હું પાર્ટીની સેવા કરું છું.' તેમણે અગાઉ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે 'ભાજપમાં કામગીરીને કારણે મેયર બન્યો, લાગવગથી નહીં.'

પહેલાં નારાજગી અને હૈયાવરાળ ઠાલવી

આત્મવિલોપનની ચીમકીવાળી પોસ્ટમાં મેયરે ભાજપ અને ભાજપના આગેવાનો પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સિનિયર કાર્યકર્તાઓ સાથે અલગ પ્રકારનો વ્યવહાર થતો હોવાની પણ હૈયાવરાળ ઠાલવી હતી. જોકે, તેમના તાજેતરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે તેમણે પોતાની આક્રમક રણનીતિ બદલી છે.

આ સમગ્ર ઘટનાક્રમ ભાવનગર ભાજપમાં ચાલી રહેલા આંતરિક તણાવને ઉજાગર કરે છે અને આગામી કોર્પોરેશન ચૂંટણી પહેલાં આ વિખવાદો કઈ દિશામાં જશે તે જોવું રસપ્રદ રહેશે.

Tags :