પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Kinjal Rabari insta |
Kinjal Rabari Controversy : ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના લગ્નને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવી ચુક્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાની માંગણીના વીડિયો વાઇરલ કર્યા બાદ, હવે કિંજલ રબારીએ અગાઉના તમામ નિવેદનોથી 'યુ-ટર્ન' લીધો છે અને પોતાના પરિવાર પાસે પરત ફરી છે.
સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો વિવાદ આખરે શાંત પડ્યો છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી 14 માર્ચે મોડી રાત્રે પોતાના પરિવાર પાસે પરત ફરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કિંજલે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાની જાહેરાત કરી, ત્યારે રબારી સમાજમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. આ મામલે બંને સમાજના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. ચૌધરી સમાજના આગેવાનોએ પહેલાં કિંજલને તેના પરિવારને સોંપવાની બાહેંધરી આપી હતી. જે અંતર્ગત મોડી રાત્રે કિંજલ અને અશોકને અલગ કરી, કિંજલને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી હતી.
કિંજલ રબારીનો યુ-ટર્ન હું રાહ ભટકી ગઈ હતી
પરિવાર સાથે મિલન બાદ કિંજલે સોશિયલ મીડિયા પરથી પોતાના જૂના વિરોધ પ્રદર્શનવાળા વીડિયો ડીલીટ કરી દીધા છે અને એક નવી સ્પષ્ટતા જાહેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, "મેં મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે ખોટું હતું. અત્યારે હું મારી રાજીખુશીથી પરિવાર પાસે આવી ગઈ છું અને કાયમ માટે પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું." તેણે વધુમાં વિનંતી કરી છે કે, હવે તેના વિશે કોઈએ અફવા ફેલાવવી નહીં અને તેના નામે ચાલતા ફેક એકાઉન્ટ્સ પરથી અગાઉના વીડિયો કે AI દ્વારા બનાવેલા ફોટા ડીલીટ કરી દેવા.
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કિંજલે એક વીડિયો શેર કરી જણાવ્યું કે, તેણે ચૌધરી જ્ઞાતિના યુવક (અશોક ચૌધરી) સાથે મરજીથી લગ્ન કર્યા છે. ત્યાર બાદ તેણે વધુ એક વીડિયોમાં ગંભીર આક્ષેપો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, તેને મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકીઓ મળી રહી છે. તેણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે સુરક્ષાની માગ પણ કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી
કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નનો મામલો જે કાયદાકીય અને સામાજિક લડાઈ તરફ જઈ રહ્યો હતો, તેનો અંત સામાજિક સમજાવટથી આવ્યો છે. કિંજલે હવે તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકીને પરિવાર સાથે રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
કિંજલ રબારીની ઇન્સ્ટા પોસ્ટ
"હું કિંજલ રબારી, મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે કહેવા માગું છું કે, મેં મારી રાહ ભટકીને જે પગલું ભરેલું તે ખોટું હતું; માટે હું રાજીખુશીથી મારા પરિવારનો સંપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગઈ છું. હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાન ભાઈઓ અને સર્વે અઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો કે અફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચલાવી રહ્યા છે, તે તમામને મારા અગાઉના વીડિયો ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા AI (એઆઈ) થી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી કરું છું. જય દ્વારકાધીશ."









