સુરેન્દ્રનગરના
દુધરેજ પાસેથી પસાર થતી
કેનાલમાં
સફાઈના નામે 'નાટક', ભ્રષ્ટાચારના આક્ષેપ ઃ દૂષિત પાણી ડેમમાં
ઠલવાતા રોગચાળાની ભીતિ
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોની અંદાજે ૩ લાખથી વધુ જનતા માટે પીવાના
પાણીનો મુખ્ય ોત ધોળીધજા ડેમ છે. આ ડેમ નર્મદાની મુખ્ય કેનાલ દ્વારા ભરવામાં આવે છે,
પરંતુ હાલ આ કેનાલની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
દુધરેજ
પાસેથી પસાર થતી આ કેનાલમાં ઠેર-ઠેર કચરો,
ગંદકી, લીલ અને જંગલી ઘાસના થર જામ્યા છે. જો
કોઈ વ્યક્તિ અકસ્માતે કેનાલમાં પડે, તો આ લીલ અને કચરામાં
ફસાઈ જવાથી જીવ ગુમાવવાનો પણ ભય રહેલો છે. આ દૂષિત પાણી ડેમમાં થઈને લોકોના ઘરો
સુધી પહોંચતું હોવાથી આગામી સમયમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી
છે.
દર
વર્ષે કેનાલની જાળવણી અને સફાઈ માટે ત્રણ મહિના સુધી પાણીનો પુરવઠો બંધ રાખવામાં
આવે છે, તેમ
છતાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સફાઈના નામે નર્મદા વિભાગ
માત્ર કાગળ પર કામગીરી બતાવી લાખો રૃપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. કેનાલના
કાંઠે ઉગી નીકળેલા બાવળો અને પાણીમાં તરતી ગંદકી વિભાગની નિષ્ક્રિયતાની સાક્ષી
પૂરે છે. તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવાને બદલે જો તાત્કાલિક ધોરણે કેનાલની યોગ્ય
સફાઈ કરવામાં નહીં આવે, તો લોકોનું આરોગ્ય જોખમાશે. હાલમાં જાગૃત
નાગરિકો દ્વારા નર્મદા વિભાગ પાસે યુદ્ધના ધોરણે સફાઈની માંગ કરવામાં આવી છે.


