ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય
Rural TV Broadcastiong50th Anniversary : વિક્રમ સારાભાઇ ગાંધીજીના 'ગો બેક ટુ વિલેજ' વિચારને અમલમાં મૂકવા માટે પ્રયત્નશીલ હતા. વિજ્ઞાાનની માહિતી અંતરિયાળ ગામડાં સુધી પહોંચે તેવું તેમનું સપનું હતું. ડૉ. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ વિજ્ઞાાનના ભીષ્મપિતા ગણાય છે અને તેઓએ સેટેલાઇટના માધ્યમથી ટીવી પ્રસારણ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. તેમનું ગામડાનાં છેવાડાના લોકો સુધી વિવિધ કાર્યક્રમ દ્વારા જાગૃત કરવાનું સ્વપ્ન હતું. આ સપનાંને સાકાર કરતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય ગુજરાતના અમદાવાદના જોધપુર ટેકરા પરના ઇસરો સેન્ટર પરથી 1 ઓગસ્ટ 1975ના રોજ સાઇટ પ્રોજેક્ટ (સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ) તથા પ્રથમ ગ્રામલક્ષી ટી.વી. પ્રસારણનો પ્રારંભ ખેડા જિલ્લાના પીજ ગામ ખાતે શરૂ થયો હતો.
ગુજરાતમાં ટેલિવિઝનમાં પહેલા મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂકેલા તુષાર તપોધન જણાવે છે કે, 31 મે 1975માં મને ઇસરોમાં જોબ મળી હતી અને ત્રણ મહિના પછી અમેરિકાની નાસા સંસ્થા સાથે પ્રાયોગિક ધોરણે સમજૂતી કરાર પછી નાસાના એટીએસ-6 ની એક વર્ષ માટે સેવાઓ લેવામાં આવી હતી, અને સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ સેવાની શરૂઆત થઇ હતી. આ સમયે હું ગુજરાતમાં ટેલિવિઝનમાં પહેલો મેકઅપ આર્ટિસ્ટ બન્યો હતો. મારું કામ મેકઅપ આર્ટિસ્ટનું હતું પણ સાથે ગામડામાં જઇને તેઓની બોલી, રહેણીકરણી, ખોરાક, પરંપરાઓનો અભ્યાસ કરીને તેના પર કાર્યક્રમ બનાવતા હતા. અલગ-અલગ ટીમ પોતાનું બેસ્ટ કામ આપીને સારા કાર્યક્રમ કરતા અને લોકો ટીવી પ્રસારણ જોવા માટે પડાપડી પણ કરતા હતા. 'વાત અમારી' કાર્યક્રમ થકી ધીરેન અવાશીયા પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે ઈસરોમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓએ નિર્માતા તરીકે સેવા આપી હતી.
સેટેલાઇટ પ્રસારણનો એક વર્ષનો કરાર પૂરો થયા પછી પીજનું ટ્રાન્સમીટર ચાલું રહ્યું હતું. પીજના કાર્યક્રમોમાં ગામની માટીની આગવી સુગંધ છુપાયેલી હતી. આ સાઇટ પ્રયોગના એક ભાગરૂપે ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ તરીકે ઓળખાતો હતો, જે 1975થી 1989 સુધી કાર્યરત રહ્યો હતો. સાઇટ પ્રોજેક્ટ દેશના શૈક્ષણિક પ્રસારણ માટે પાયાનો પ્રશ્ર બની ગયો તેને જ કારણે બાળકોના શૈક્ષણિક કાર્યક્રમોના નિર્માણ અને પ્રસારણ માટે સીઆઇટી અને એરાઆઇટીની સ્થાપના થઇ હતી.
સમાચાર પછી આજના કાર્ટૂનની શરૂઆત થઇ
ટેલિવિઝન પર સમાચારની પ્રસ્તુતિ પછી આજના કાર્ટૂનની શરૂઆત કરી હતી. સામાજિક જાગૃતિ માટેના કાર્ટૂનની શરૂઆતથી લોકો સુધી મેસેજ પહોંચાડી શકાતો હતો. કાર્ટૂનમાં મતદાન જાગૃતિ, પાણી બચાવો સહિતના વિવિધ ટોપિક પર કાર્ટૂન બનાવવીને તેને દર્શાવવામાં આવતું હતું.
આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત
પ્રસારણમાં ફિલ્ડ પ્રોગ્રામ પર વધારે ભાર અપાતો
પીજ ખાતે શરૂ થયેલા ટીવી પ્રસારણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાંના લોકો માહિતી થકી જાગૃત કરવાનો ઉદ્દેશ્ય હતો. ખાસ કરીને ખેતી, આરોગ્ય, શિક્ષણ વિકાસને લગતા કાર્યક્રમ તથા વિવિધ પ્રકારની ઉપયોગી માહિતી ગ્રામપ્રજા સુધી પહોંચાડતા હતા. અમારી ટીમ ખાસ ફિલ્ડ વર્ક કરતી હતી, જેમાં એક્સપર્ટની જરૂર હોય તો તેને પણ સાથે રાખતા હતા જેથી ઊંડાણપૂર્વકનું જ્ઞાાન જાણી શકાતું હતું. મેં 18 વર્ષ સુધી પીજ કેન્દ્રમાં ઇન્ચાર્જ હેડ તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમ થકી વધારે લોકો જોડાય અને પ્રશ્રોનું નિરાકરણ થાય તે મુખ્ય કામગીરી હતી. - ભૂપેન્દ્રસિંઘ ભાટીયા, પૂર્વ ડાયરેક્ટર, ડેકૂ
સાઇટ પ્રોજેક્ટ ભારતના સફળ સ્પેસ ટેકનોલોજીનું પ્રથમ પગથિયું
ડૉ. વિક્રમ સારાભાઇના સપનાને સાકાર કરવા વૈજ્ઞાાનિક શોધોનો લાભ પ્રજાલક્ષી બની રહે છે. તેના મહાઅભિયાનમાં ઇસરો, ડેકૂ સતત પ્રયત્નશીલ છે. સાઇટ પ્રોજેક્ટ ભારતના સફળ સ્પેસ ટેકનોલોજીનું પ્રથમ પગથિયું ગણી શકાય. ગુજરાતમાં ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટે ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં માઇલસ્ટોન સમાન છે. ઇસરોના વૈજ્ઞાાનિક પ્રો.ઇ.વી.ચિટનીસ, પ્રો.યશપાલ, કિરણ કર્ણિક, પ્રો.એમ.જી.કે. મેનન, પ્રો.એસ.ધવન, યુ.આર.રાવ, ડૉ.કસ્તુરીરંગન, માધવન નાયર સહિતના ઘણાં વૈજ્ઞાાનિકોએ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી.
ટાવર પીજમાં હતું પણ પ્રસારણ ઇસરોથી થતું
ગામડાના લોકોને ખેતી, આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શિક્ષણ વિકાસને લગતા કાર્યક્રમો તથા વિવિધ પ્રકારની ઉપયોગી માહિતી પહોંચાડવા માંગતા હતા. ઉચ્ચ પ્રકારના સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગના માધ્યમથી મોટા શહેરમાં હાઇપાવર અને નાના શહેરમાં લૉ-પાવર ટ્રાન્સમીટર મૂકવાની યોજના બનાવી હતી. દેશના ખૂણેખૂણે સેટેલાઇટ દ્વારા પ્રસારણ કરી શકાય અને ગ્રામીણ લોકોમાં ટીવીના કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. પીજ ગામમાં ટીવી પ્રસારણનું સૌથી મોટું પ્રસારણ કેન્દ્ર હતું. ટીવી પ્રસારણનું ટાવર પીજ ગામે હતું પણ પ્રસારણ ઇસરોના સ્ટુડિયોથી થતું હતું.
ડૉ. વિક્રમ સારાભાઇના સપનાને વૈજ્ઞાનિકોએ પૂરું કરી બતાવ્યું હતું
1970-71ના વર્ષમાં વિક્રમ સારાભાઇએ આપણા દેશના ગામડાંમાં લોકોના ઉત્થાન માટે આપણે સેટેલાઇટ બનાવવો જોઇએ અને તેના ઉપયોગથી લોકોને માહિતગાર કરવાનું સ્વપ્ન સેવું હતું. આ સમયે નાસા સાથે મળીને ભારત દેશે સેટેલાઇટને આગળ લાવવા માટે નાસાના 'એટીએસ-6' (એપ્લિકેશન ટેકનોલોજી સેટેલાઇટ)ની મદદથી અમદાવાદના જોધપુર ટેકરા પરના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો) પરથી 1 ઓગસ્ટ 1975ના રોજ સાઇટ પ્રોજેક્ટ (સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ) તથા પ્રથમ ગ્રામલક્ષી પીજ ટી.વી.પ્રસારણનો પ્રારંભ થયો હતો. આ પ્રસારણ તે સમયે બ્લેક એન્ડ વ્હાઇટમાં થતું હતું. 50 વર્ષ પહેલાં સમગ્ર દેશમાંથી 2400 ગામડાઓ અને પંચાયત ઓફિસ ખાતે ટીવી પહોંચાવડામાં આવ્યા હતા તે લોકો ટીવીનું પ્રસારણ જોતા હતા. - નિલેશ દેસાઇ, ડાયરેક્ટર, સેક-ઇસરો