કપડવંજમાં BLOની કામગીરી કરતાં આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન, પરિવારમાં શોકનો માહોલ

Kheda News: ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પરના કામના ભારણની ગંભીર ઘટના સામે આવી છે. કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રમેશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, BLO કામગીરીના અસહ્ય ભારણ અને સતત મુસાફરીના કારણે આચાર્યનું મૃત્યું થયું છે.
મોડી રાત સુધી કામ, સવારે ન ઉઠ્યા
મૃતકના પરિવારજનોના જણાવ્યાનુસાર, રમેશભાઈ પરમાર મંગળવારે (18મી નવેમ્બરની રાત્રે) મોડી રાત સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવ્યા હતા. કામના ભારણ અને થાકને કારણે તે જમ્યા પણ નહોતા અને રાત્રે સૂઈ ગયા હતા, પરંતુ સવારે તેઓ ઉઠ્યા જ નહીં. પરિવારજનો તેમને તુરંત જ બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા પખવાડિયાથી BLOની ફરજને કારણે રમેશભાઈ પરમાર સતત સ્ટ્રેસમાં હતા અને તેમને ઉજાગરા કરવા પડતા હતા. જાંબુડીથી તેમની ફરજનું સ્થળ નવાપુરા પ્રાથમિક શાળા રોજ 48 કિ.મી. દૂર છે. આચાર્યશ્રી રોજ બાઇક પર આવવા-જવા માટે 94 કિ.મી.થી વધુની મુસાફરી કરતા હતા. સતત કામના સ્ટ્રેસ, ઉજાગરા અને ભારે મુસાફરીના ભારણને કારણે જ તેમનું નિધન થયું છે.
આચાર્ય રમેશભાઈ પરમારના નિધનને પગલે નવાપુરા પ્રાથમિક શાળામાં સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બે મિનિટનું મૌન પાળ્યું હતું અને શોક રૂપે તે દિવસનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.

