અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત

Ahmedabad Crime News: અમદાવાદના વ્યસ્ત ગણાતા જીએમડીસી–વસ્ત્રાપુર રોડ પર બુધવારે રાત્રે જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવા બદલ એક 28 વર્ષીય યુવકની મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ યુવક કથિત રીતે ખુલ્લેઆમ અંગપ્રદર્શન કરતો અને જાહેરમાં પેશાબ કરતો પકડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓની સુરક્ષા અને જાહેર શિષ્ટાચાર વિરુદ્ધના ગુનાઓ સામે ક્રાઈમ બ્રાન્ચ, વુમન્સ સેલના મદદનીશ પોલીસ કમિશનરના આદેશથી ચલાવવામાં આવેલા એક વિશેષ પેટ્રોલિંગ ડ્રાઇવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના?
નોંધાયેલી એફઆઈઆર મુજબ આ ઘટના 19 નવેમ્બરના રોજ સાંજે લગભગ 7.40 વાગ્યે બની હતી. પોલીસ ટીમ શહેરવ્યાપી ચાલી રહેલી મહિલા સુરક્ષા અને જાહેર શિષ્ટાચાર જાળવવાની ડ્રાઇવના ભાગરૂપે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
પેટ્રોલિંગ ટીમે જીએમડીસી રોડ નજીક રોડની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને જોયો હતો. આ વ્યક્તિ મુસાફરોની અવરજવરવાળી જાહેર જગ્યા પર 'શરમ વિના' કથિત રીતે અંગપ્રદર્શન કરી રહ્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે આરોપી જાહેરમાં પસાર થતા લોકોની સામે રોડની બાજુમાં પેશાબ પણ કરતો જોવા મળ્યો હતો.
આરોપીની ઓળખ
પોલીસે તુરંત જ આ શખ્સની અટકાયત કરી હતી, જેની ઓળખ દીપકકુમાર દિનેશભાઈ ચૌહાણ તરીકે થઈ છે. તે વ્યવસાયે ડ્રાઈવર છે અને હાલમાં વસ્ત્રાપુરમાં રહે છે. તેનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના ઇડરનું કૃષ્ણનગર છે.
પોલીસે જણાવ્યું કે ચૌહાણની જાહેરમાં અશ્લીલ કૃત્ય કરવા અને જાહેર ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, જાહેર સ્થળે આવું વર્તન શિક્ષાપાત્ર ગુનો છે. ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

