Kaveri Sangam Flats Dog Attack Incident: અમદાવાદ શહેરના શિલાજ વિસ્તારમાં આવેલા કાવેરી સંગમ ફ્લેટ્સમાં મહિલા પર થયેલા શ્વાનના હુમલા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને બોપલ પોલીસે સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આ મામલે શ્વાન માલિકની બેદરકારી બદલ તેમની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ શ્વાનને જપ્ત કરવામાં આવ્યો છે.
સીડી ચઢતી વખતે શ્વાને કર્યો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે કાવેરી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા હીનાબેન પટેલ જ્યારે પોતાના ફ્લેટની સીડીઓ ચઢી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સોસાયટીના જ અન્ય એક ફ્લેટમાં રહેતો પરિવાર પોતાના પાલતુ શ્વાનને નીચે લઈ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાને હીનાબેન પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં હીનાબેન ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
AMC અને પોલીસની સંયુક્ત તપાસ
ઘટનાની ગંભીરતાને જોતા ગુરુવારે AMCના CNCD વિભાગની ટીમ, જેમાં વેટરનરી ડોક્ટર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને ડોગ કેચરનો સમાવેશ થતો હતો, તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હુમલો કરનાર સફેદ લેબ્રાડોર શ્વાન શિવમ ભરતકુમાર સુથારના નામે નોંધાયેલો છે. આ શ્વાનનું રજિસ્ટ્રેશન 26 મેના રોજ AMCમાં કરવામાં આવ્યું હતું અને તેને જરૂરી તમામ રસી (Vaccination) પણ આપવામાં આવી છે.
નિયમો હોવા છતાં કેમ થઈ કાર્યવાહી?
શ્વાન રજિસ્ટર્ડ હોવા છતાં, અધિકારીઓએ નોંધ્યું કે જ્યારે માલિકની દીકરી શ્વાનને સીડી પરથી નીચે લઈ જતી હતી, ત્યારે તેને યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં આવ્યો નહોતો. આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જગ્યાએ અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ AMCના અધિકારીઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરી છે.
વારંવારના હુમલાથી સોસાયટીમાં ભયનો માહોલ
ભોગ બનનાર મહિલાના પતિ જશવંતકુમાર પટેલે પણ બોપલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ શ્વાન અગાઉ પણ અનેકવાર આક્રમક વર્તન કરી ચૂક્યો છે, જેના કારણે સોસાયટીના બાળકો અને વડીલોમાં સતત ડરનો માહોલ રહે છે. ઘટના સમયે જશવંતકુમાર વતનમાં હોવાથી તેમણે મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સાથેની અરજી પોલીસને મોકલી આપી હતી. આ બંને ફરિયાદોના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શ્વાનને મ્યુનિસિપલ શેલ્ટર હોમમાં ખસેડાયો
ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને અન્ય રહીશોની સુરક્ષા જળવાઈ રહે તે માટે, AMCએ લેબ્રાડોર શ્વાનને તેના માલિક પાસેથી જપ્ત કરી લીધો છે. હાલમાં આ શ્વાનને કોર્પોરેશનના ડોગ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યો છે. પોલીસ અને કોર્પોરેશન સંયુક્ત રીતે માલિક સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવી રહ્યા છે.


