જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ
CM Omar Abdullah On Gujarat Visit : જમ્મૂ-કાશ્મીરના પર્યટનને વેગ આપવા માટે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહલગામમાં થયેલા હુમલા બાદ ઘટેલી પ્રવાસીઓની સંખ્યાને ફરીથી વધારવાનો છે.
ઉમર અબ્દુલ્લા આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ ઉપરાંત, તેઓ ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી જીવંત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉમર અબ્દુલ્લા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે છેલ્લા 30-35 વર્ષથી જ્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન શરૂ થયું છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ હંમેશા ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુજરાતના લોકો ફરીથી મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાનું શરૂ કરશે.
પહલગામ હુમલા અંગે બોલતા, તેમણે કહ્યું કે સંસદમાં ઘણી બાબતો પર ચર્ચા થવી જોઈએ અને કેન્દ્ર સરકારે ઘણા મુદ્દાઓ પર જવાબ આપવો પડશે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે જો પહલગામ હુમલો ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા હતી, તો તેના માટે કોઈ જવાબદાર છે. તેમણે એ પણ જણાવ્યું કે આ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે.
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રીની આ મુલાકાત કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે રાજ્યમાં ફરીથી પ્રવાસીઓને આકર્ષવામાં મદદ કરી શકે છે.