VIDEO: 'છોટીકાશી' જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા!
Shravan 2025 : જામનગરના હવાઈ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પ્રાચીન શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે અમાસના દિવસે શ્રી વૈજનાથ દાદાની ભસ્મ આરતી કરવામાં આવી હતી. શ્રી વૈજનાથ મહાદેવના શ્રી મહાકાલ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ દિવ્ય ભસ્મ આરતીના દર્શનનો અલભ્ય લાભ લીધો હતો, અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શ્રી વૈજનાથ દાદાની ભસ્મ આરતી
દેવાધિદેવ મહાદેવને ભસ્મ અત્યંત પ્રિય છે. ભસ્મ એ શરીરની નશ્વરતાનું પ્રતિક છે, જે એ સંદેશ આપે છે કે અંતે જે કંઈ શેષ રહે છે, તે ફક્ત 'શિવત્વ' છે – જે શાશ્વત અને અમર છે. બાકી બધું જ નશ્વર છે. જો કોઈ શિવત્વને પામી લે, તો મૃત્યુ એટલે કે 'કાલ' પણ તેના અસ્તિત્વને મિટાવી શકતો નથી. નિઃસ્વાર્થ પરોપકાર એ જ સાચું શિવત્વ છે, અને એટલે જ મહાદેવ 'નીલકંઠ' કહેવાયા. સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ મહાદેવે ગ્રહણ કરીને સમસ્ત સંસારને 'કાલ'ના ભયથી મુક્ત કર્યો હતો.
આ જ શિવત્વની આરાધના રૂપે, ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરની જેમ, જામનગરની 'છોટીકાશી' તરીકે ઓળખાતા એક પ્રાચીન શિવાલયમાં પણ 'ભસ્મ આરતી' દ્વારા શિવ આરાધના પ્રચલિત બની છે.
આ પણ વાંચો: શ્રાવણ માસમાં શિવપૂજનનું મહત્ત્વ: દેવાધિદેવ મહાદેવને જળ અભિષેકનો મહિમા
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસના દરેક સોમવારે અને અમાસના દિને પણ અહીં ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવશે, જે ભક્તોને શિવત્વનો સાક્ષાત્કાર કરવાનો અવસર પૂરો પાડશે. જામનગરમાં આ ભસ્મ આરતી શિવભક્તો માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.