આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે, દરરોજ મહાદેવજીને વિશેષ શૃંગાર કરાશે
Somanth Prabhaspatan : ભારતમાં બિરાજમાન દ્વાદશ જયોતિર્લિંગ પૈકી પ્રથમ ક્રમાંકે આવતા દેવાધિદેવ સોમનાથ મહાદેવની મહાપૂજામાં શ્રાવણ માસનું અનેરૂ મહત્ત્વ છે. આજથી શરૂ થતા શ્રાવણ માસમાં દેશભરમાંથી આશરે 10 લાખ ભાવિકો દર્શન લાભ લે તેવી શકયતા જોવાઈ રહી છે.
તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુના નાદ સાથે આજથી શરૂ થતા શ્રાવણ માસ દરમિયાન સોમનાથ કૃપા સંપાદન માટે ભાવિકોના ઉપક્રમે ત્રીસે'ય દિવસ મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવશે. આજથી મહિના દરમિયાન આવતા દરેક શ્રાવણ સોમવાર, તહેવારોના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખૂલી જશે. આ ઉપરાંત દિવ્યાંગજનો વૃદ્ધોને દર્શનમાં અગ્રતા આપવાનું આયોજન થયું છે. મંદિરની યજ્ઞાશાળામાં મહામૃત્યુંજય યજ્ઞા અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમાં માત્ર રૂ. 25 ન્યોચ્છાવર કરનાર ભાવિકને હુત દ્રવ્યો સાથે 21 આહુતિ આપવાનો અવસર પ્રદાન કરવામાં આવશે.
શ્રાવણના દરેક સોમવાર, શિવરાત્રિ, પૂર્ણિમા, અમાવાસ્યાના દિવસે શિવ પાલખીયાત્રાનું આયોજન કરાયું છે. આરતીવેળા ભકતજનો મંદિરમાં રોકાઈ ન રહેતા ચાલતા રહેવું પડશે જેથી સૌ કોઈ લાભાન્વિત થાય તેવું આયોજન છે. ભાલકા તીર્થ, ગીતા મંદિરે હિંડોળા દર્શનનું આયોજન કરાશે. ભપકાંને લેશમાત્ર નહીં પણ માત્ર ભક્તિને જ મહત્વ આપતા અને અનેકવિધ મોંઘાદાટ દ્રવ્યોને બદલે સામાન્ય જળ કે એકાદ બિલ્વપત્રથી જ પ્રસન્ન થતા ભોળાનાથ મહાદેવની ભક્તિના પરમ પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થઇ ગયો છે.
રાષ્ટ્રના સૌપ્રથમ સૌરાષ્ટ્રના જ્યોતિર્લિંગ સોમનાથ દાદામાં આ મહિનામાં આશરે 10 લાખથી વધુ ભાવિકો આવવાનો અંદાજ છે સોમનાથ ટ્રસ્ટના સૂત્રો અનુસાર સોમવારના દિવસે 75,000થી વધુ ભાવિકો દર વર્ષે ઉમટતા હોય આ દિવસે તથા જન્માષ્ટમી સહિત રજાના દિવસોમાં મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણી સોમવારે રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી ભાવિકો આવતા-જતા હોય છે. આવા તમામ શિવમંદિરોમાં દર્શનનો સમય વધારવા સાથે સ્વયંસેવકો અને સલામતિ બંદોબસ્ત ગોઠવાયો છે.
સૌરાષ્ટ્રના શિવમંદિરો કે જ્યાં આશરે દોઢ કરોડથી વધુ લોકો ઉમટે છે ત્યાં રસ્તા પરના ગાબડાં રિપેર કરવા, સઘન સ્વચ્છતા કરાવવા, ચૂસ્ત સલામતિ બંદોબસ્ત સાથે પર્યાપ્ત લાઈટ,શૌચાલયો વગેરેની વ્યવસ્થા રાખવા અને માંસ,મટન,મચ્છી,ઈંડાનું વેચાણ બંધ કરાવવા તંત્ર પાસે માંગણી થઈ છે.
સોમનાથ ઉપરાંત દ્વારકા પંથકમાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જુનાગઢના ભવનાથ મંદિર સહિતના ઐતહાસિક શિવમંદિરો, જસદણ પાસે ઘેલા સોમનાથ, વાંકાનેર પાસે જડેશ્વર સહિત ગામેગામ ઐતહાસિક મહત્ત્વ ધરાવતા શિવમંદિરોએ આજથી અવિરત અભિષેક, પૂજન અર્ચન સહિત ધર્મોત્સવથી ધમધમશે.