અધિકારીએ ખાડા પૂરવાની ના પાડતા ભાજપના ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મારી ઑફિસમાં આવો
Kadi MLA: ચોમાસાની શરુઆતથી જ ગુજરાતના રોડ-રસ્તાની હાલત કફોડી બની છે. સામાન્ય લોકોની સાથે હવે ભાજપ નેતાઓ પણ આ ખરાબ રસ્તાના કારણે કંટાળ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. કડીથી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ખરાબ રોડ-રસ્તાને લઈને ફરિયાદ કરી છે. આ સિવાય તેમણે માર્ગ અને મકાન બાંધકામ વિભાગના અધિકારીઓની પણ ઝાટકણી કાઢી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમં તેમણે ખરાબ રસ્તા અને ખાડા ન ભરાવાના કારણે અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી
શું હતી ઘટના?
હકીકતમાં કડી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ગોવિંદ પટેલે રસ્તાના ખાડાઓની સમસ્યા ધારાભ્ય સમક્ષ મૂકી હતી. આ ફરિયાદ બાદ ધારાસભ્યે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર ઓજસ પટેલને ફોન કર્યો હતો. ફોનમાં તેમણે ટેન્ડર કે કોન્ટ્રાક્ટની પ્રક્રિયાને બાજુએ મૂકીને તાત્કાલિક સમારકામ શરુ કરવા સૂચના આપી હતી. જોકે, અધિકારીએ લેખિત રજૂઆત કરવાનું કહેતા ધારાસભ્ય રોષે ભરાયા હતા.
અધિકારીએ ઘસીને ના પડી દેતા ભાજપ ધારાસભ્યએ કહ્યું હતું, કે 'તમે આ રીતે ઉદ્ધતાઈથી વાત ના કરી શકો. મને લેખિતમાં આપો કે કેમ તમે ના કરી શકો. તમે મારી ઓફિસમાં આવો. હું કહું એટલે કરી જ નાંખવાનું.'
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે ખૂબ વખાણેલો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, છેવટે એક સાઈડનો રસ્તો બંધ
ધારાસભ્યનો આ વીડિયો હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. પરંતુ, આ સાથે એ પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે કે, રોડ-રસ્તા અને પ્રી-મોન્સૂન કામગીરીમાં કરવામાં આવેલી આળસ અને ભ્રષ્ટાચારના કારણે હવે જનતાની સાથોસાથ નેતાઓ ખુદ પરેશાન થઈ રહ્યા છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સામે આવે છે તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી?