તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો
Junagadh News: જૂનાગઢથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંક લગાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જોતાં ચોંકી ઉઠ્યા હતા અને સોમવારે (1 સપ્ટેમ્બર) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના આજથી એક મહિના પહેલા બની હતી, જ્યારે હોસ્ટેલમાં રહેતા પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ગડદાપાટુ અને લાફા ઝીંકીને ઢોર માર્યો હતો. આ સમગ્ર ઘટના અન્ય એક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ચાર-પાંચ વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થી માર સહન ન કરી શકતા રડી રહ્યો છે, તેમછતાં ચાર-પાંચ વિદ્યાર્થીઓ ભેગા મળીને ઢોર માર મારી રહ્યા છે. આ બનાવને લઈને હાલ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠ્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 30 ઓગસ્ટ 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો જોયો હતો. પોતાના પુત્રને માર મારવામાં આવતો જોઈને તેમણે તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે.
પિતાએ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલના સંચાલકોએ આ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી વિદ્યાર્થીઓ સગીર હોવાથી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.
આ મામલાની તપાસ માટે પોલીસ દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓની હાજરીમાં તમામ પાંચેય આરોપી વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર ઘટના અંગેનો એક રિપોર્ટ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી પણ મંગાવવામાં આવ્યો છે.
પીડિતના માનસ પરથી જીવનભર ભૂંસાતી નથી આવી યાતના
આ પ્રકારની કૃરતા કોઈ પણ પીડિત ભૂલી શકતા નથી. મનો ચિકિત્સકોના મતે આવા લોકોના માનસ પર જીવનભર આ ઘટના ઘર કરી જાય છે. તે કોઈ ફોબિયાનો શિકાર પણ બની શકે છે, તેને માનસિક અસર પણ થઈ શકે છે. લોકો તેના વિશે લોકો શું વાત કરશે? કાયર સમજશે વગેરે સવાલો તેના મનમા ઉઠે છે અને તે એક અલગ જ પીડામાં સરી જાય છે. તે પોતાનો આપો પણ ખોઈ બેસી શકે છે અને ન કરવા જેવું કંઈ પણ કરી શકે છે. આ પ્રકારની ઘટનાની પીડિતો પર ઘણી માઠી અસર થતી હોવાથી તેમને કાઉન્સેલિંગની પણ સતત જરૂર પડે છે. ત્યારે તે માંડ આ દુષ્પ્રભાવમાંથી બહાર આવી શકે છે. આ સાથે આ પીડા ન માત્ર પીડિતો ભોગવે છે, પરંતુ તેના સમગ્ર પરિવારને ભોગવવાનો વારો આવે છે.
આજની યુવા પેઢીમાં હિંસક માનસિકતાનો ભયજનક ઉછાળો
આજનું યુવાધન કેવી માનસિકતા ધરાવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ તાજેતરમાં સામે આવી રહેલી હિંસાની ઘટનાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજના મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં બાળકોની માનસિકતા હિંસક બની રહી છે, જે સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે.
તાજેતરના કિસ્સાઓ દર્શાવે છે કે બાળકોના કુમળા મન પર વેબ સિરીઝ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થતા હિંસક દ્રશ્યોની સીધી અસર થઈ રહી છે. આ દૃશ્યોનું અનુકરણ કરીને, બાળકો પોતાની ધાક જમાવવા અને રોફ બતાવવા માટે વધુને વધુ હિંસક બની રહ્યા છે.
આ જ કારણોસર શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી અને મારઝૂડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર શારીરિક નુકસાન જ નથી પહોંચાડતી, પરંતુ યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું કરી રહી છે.