Get The App

'અમારો અવાજ દબાવી દેવાય છે..' જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
'અમારો અવાજ દબાવી દેવાય છે..' જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી 1 - image


Droupadi Murmu Sasan Gir Visit: ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાસણ ગીરમાં જંગલ સફારી બાદ સિંહ સદનમાં સ્થાનિક જનજાતિઓના લોકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સંવાદ દરમિયાન આદિવાસી સમુદાયના લોકોએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમની ફરિયાદો અને સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરી હતી, જેમાં મુખ્યત્વે અનાજ અને પૂરતી સુવિધાઓ ન મળવાની રજૂઆત કરવામાં આવી હતી.

સ્ટેજ પરથી નીચે આવીને રાષ્ટ્રપતિએ ફરિયાદ સાંભળી

આ સંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ સ્થાનિક લોકોએ ગુજરાતમાં પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદો સાંભળીને રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી નીચે આવ્યા હતા અને લોકોની વાત ધ્યાનથી સાંભળી હતી.

'માત્ર 2 કિલો રાશન મળે છે, ગુજરાન ચલાવવું મુશ્કેલ'

એક આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ રજૂઆત કરી કે, 'તેમને પૂરતી સુવિધા મળતી નથી અને રાશન પણ ઓછું મળે છે.' મહિલાના કહેવા મુજબ, તેમને માત્ર 2 કિલો રાશન જ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેમના સમુદાયના બહુ ઓછા લોકો પાસે નોકરી છે, જેના કારણે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. મહિલાએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો, નિયમોનો ઉલાળિયો કરતાં વિવાદ

અધિકારીઓ સ્તબ્ધ, રાષ્ટ્રપતિની તાકીદ

આદિવાસી મહિલાની આ ગંભીર ફરિયાદ સાંભળતા ત્યાં હાજર સરકારી અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ મામલાની ગંભીર નોંધ લઈને તાત્કાલિક વનમંત્રી અને કલેક્ટરને પગલાં લેવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ ડાયરેક્ટરને આ મહિલાઓને રાષ્ટ્રપતિ ભવન લઈ આવવા માટે પણ કહ્યું હતું.

કાર્યક્રમ બાદ વનમંત્રીએ પણ સ્વીકાર્યું હતું કે આદિવાસી મહિલાઓએ તેમની સમક્ષ ફરિયાદ કરી હતી. રાષ્ટ્રપતિ સમક્ષ આદિવાસી સમુદાયની મહિલાઓની ખુલ્લી રજૂઆતને પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે, જેથી આ મામલે ઝડપથી કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

Tags :