Get The App

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ 1 - image


Operation Mule Hunt Case: ગુજરાત સરકારે હાલ સાયબર ગઠિયાઓને પકડી પાડવા માટે કમર કસી છે. સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' દ્વારા ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે રૂ. 253 કરોડથી વધુના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢ સુધી પહોંચતા સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે. 

360 ફરીયાદો, 253 કરોડથી વધુની રકમની હેરફેર

તપાસની વિગતો અનુસાર દેશભરમાં 9 એકાઉન્ટ પર અલગ અલગ 360 ફરીયાદો નોંધાવવામાં આવી હતી. જેમાં 253 કરોડની લેણદેણ કરાઇ હતી. ત્યારે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા જુનાગઢ સાયબર પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી હાલ જેલમાં ગુના હેઠળ છે. ઘરપકડ થયેલા આ આઠ આરોપીઓ ભાડે બેન્ક ખાતા આપતા હતા. જેમાં સાયબર ચાંચિયાઓએ કરોડોની રકમ જમા કરાવી હતી. આ રકમ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી  હેરાફેરી કરવામાં આવતી હતી. 

કેવી રીતે કરતાં કાંડ?

સાયબર ચોરો ઓનલાઈન છેતરપિંડીના ઈરાદે લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે, સામાન્ય માણસને લાલચ આપી બેન્ક ખાતાની વિગત મેળવી ઈન્ટરનેટ બેંકિંગ શરૂ કરી તેના ખાતામાંથી રૂપિયાની મોટા પાયે હેરાફેરી કરતાં હોય છે. પોલીસે આલેખ ઉર્ફે પવન હિરાણી, જાવિદ પઠાણ, ભરત દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત ગરેજા, અલ્તાફ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ સોઢા, ચિરાગ સાધુ અને રક્ષિત કાછડીયાને પકડી સાયબર ચાંચિયાઓના નેટવર્કના મૂળ સુધી જવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે કમિશન અથવા સાયબર ક્રાઈમમાં ટકાવારીમાં બેન્ક ખાતાઓ ભાડે અપાય છે. 

પોલીસે કરી અપીલ

આ સાથે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈપણ અન્ય વ્યક્તિઓને બેંક એકાઉન્ટની માહિતી અથવા કીટ આપવી નહીં. જો કોઈ લોકો લાલચ આપી બેન્ક એકાઉન્ટની માહિતી એકઠી કરવાનો પ્રત્યન કરે તો પોલીસને જાણ કરવી જોઈએ. 

'ઓપરેશન મ્યુલ હન્ટ' શું છે?

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવવામાં આવી રહ્યું છે,  ઓનલાઈન છેતરપિંડી માટે નાણાં હેરફેર કરવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવા માટે સોંપી દે છે. 

કુલ 44 ખાતા ધારકો સામે જામનગરના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 20  ફરિયાદ 

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી આવું એક એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં બે ખાતેદારો દ્વારા રૂપિયા 14.80 લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે મામલે સરકાર પક્ષે પોલીસ હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવત ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ દ્વારા બ્રિજેશ રમેશભાઈ સોરઠીયા તેમજ અક્ષય જોશી સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 20 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં 44 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુનો

વડોદરામાં પણ ચોંકાવનારો કિસ્સો

વડોદરા શહેરમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક ખાતામાં ફ્રોડની રકમ જમા થતી હોવાની જુદાજુદા રાજ્યોમાંથી ફરિયાદો મળી હતી.નેશનલ સાયબર પોર્ટલ પર એક જ એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થઇ હોય તેવી 23  ફરિયાદ મળી હતી.જેમાં 2.30 કરોડના ટ્રાન્જેક્શન થયા હતા. નેશનલ પોર્ટલ દ્વારા આ એકાઉન્ટની જાણ વડોદરા સાયબર સેલને કરવામાં આવી હતી.જેને આધારે સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે સાયબર સેલના એએસઆઇને ફરિયાદી બનાવી ગુનો દાખલ કર્યો છે. પોલીસે કહ્યું હતું કે,હેમંત જાદવે બેન્ક ખાતું ખોલાવીને આખું એકાઉન્ટ વડોદરાના સાગર શાહને હેન્ડલ કરવા આપી દીધું હતું.આ પેટે તેને કમિશન મળ્યું હશે.જેથી હેમંત જાદવ અને સાગર શાહને શોધવા માટે બે ટીમો કામે લાગી છે.બંને પકડાય ત્યારપછી સાગર શાહ કોના સંપર્કમાં હતો અને 2.30 કરોડની રકમ કેવી રીતે અને કોને પહોંચાડી હતી તેની વિગતો ખૂલશે.