Get The App

'મર્યાદામાં રહેવાનું હોં ભાઈ, ચમચાગીરી બંધ કરો...', કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, જાણો મામલો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
'મર્યાદામાં રહેવાનું હોં ભાઈ, ચમચાગીરી બંધ કરો...', કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, જાણો મામલો 1 - image


Junagadh Vimal Chudasama Viral Video: ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યો અને પોલીસ સાથે ઘર્ષણ, બાદમાં બખેડો હવે સામાન્ય ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પોલીસના પટ્ટા ઉતરી જશે તેવું નિવેદેન આપી જિગ્નેશ મેવાણીએ વિવાદ સર્જ્યો હતો તે બાદ હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક અકસ્માત કેસમાં પોલીસને કહ્યું છે કે 'ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ'

શું છે સમગ્ર મામલો?

જૂનાગઢના ગડુ પાસે 19 ડિસેમ્બરના રોજ રસ્તા વચ્ચે ક્રશર મશીન સાથે બાઇક ચાલક યુવકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું અકાળે મોત થયું હતું. આ કેસની પોલીસ કાર્યવાહીમાં મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવતા ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પિત્તો છટક્યો હતો, પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર અવાજમાં બોલાચાલી કરી ધમકી આપતાં કહ્યું હતું કે 'નોકરી કરો છો, ચમચાગીરી કરવાનું બંધ કરો, ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ'. ગરમાગરમીનો માહોલ થતાં અન્ય પોલીસકર્મીઓ ધારાસભ્યને શાંત કરતા હતા. સમગ્ર બાબતે વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પણ અવગત કર્યા છે. 


ધારાસભ્યએ પોલીસને તતડાવી

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુસ્સામાં કહ્યું કે 'વાત કર, અરે તમારા સાહેબ હોય તો સાહેબ આ આવશે તમારું નામ શું છે, આ ભાઈ એમ લખે છે બેદરકારીથી મરણ થયેલ છે, ખબર નહી પડે ક્યાં મૂકી દઈશ. આ ધંધા નહીં કરવાના, કાકાનો દીકરો થયો જેસીબી વાળો, એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને, બાકી આજે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો જેસીબી વાળાની, આ શું કામે લખ્યું, જેસીબી વાળા ચમચાીરી કરી, હવે કોન્ટ્રાક્ટ કોનો હોય આ તો તમને ખબર હોય ને, અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ શાંતિ રાખોને તમે મર્યાદામાં રહો,  શું શું શું નામ છે તમારું, ભાવસિંહ મોરી, ભટકાણો એવું લખેલું છે, આ આવું લખે છે આ ભાઈ, અરે પણ જે હોય પણ આવી આવી રીતે લખે કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય, એ પછીની વાત છે પણ પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે, કોન્ટ્રેક્ટરની ચમચાગીરી કરવાની છે આવી રીતે, આ કઈ મર્યાદા છે, લખીને પાછો પાવર કરે છે જાણે જીવનમાં રૂપિયો ન લીધો હોય નોન કરપ્ટ માણસ હોય'

ઘટના અંગે ધારાસભ્યએ શું કહ્યું?

વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે બે દિવસ પહેલાં કટર મશીન સાથે ટક્કર વાગતાં યુવકનું મોત થયું હતું, જેમાં પોલીસે એવો ઉલ્લેખ કર્યો છે કે અકસ્માત યુવકની પોતાની બેદરકારીના કારણે થયો છે. આ ગંભીર બાબત મારા ધ્યાને આવી હતી, વધુ ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ કોન્સ્ટેબલ નિવેદન નોંધી રહ્યા હતા ત્યારે સતત તેમના મોબાઇલમાં કોલ આવી રહ્યા હતા. જે શંકાશીલ છે, જેથી તે સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા જાણવા જૂનાગઢ SPને પત્ર લખી તપાસ કરવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો: સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું

જરૂરી તપાસ ચાલી રહી છેઃ પોલીસ

જ્યારે પોલીસનું કહેવું છે કે અકસ્માત થયો ત્યારે રોડ પર એક રોડનું કામ ચાલુ હતું જ્યાં સાઇડમાં ક્રશર પડ્યું હતું જેની સાથે યુવક અથડાયો હતો. ધારાસભ્યએ કહ્યું છે કે બાઇક ચાલકની બેદરકારી લખી છે તેની જગ્યાએ રોડ પર ક્રશર ઊભું હતું તેમના નામ ટાંકવામાં આવે, પોલીસે ઘટના અંગે પરિવારના નિવેદનો નોંધ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.