જૂનાગઢમાં 'મહાશિવરાત્રી મેળા'નો આવતીકાલથી પ્રારંભ, ગિરનારની ટળેટીમાં પ્રથમવાર 'ડમરુ યાત્રા'નું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Mahashivratri: ગિરનારની પવિત્ર તળેટીમાં શિવ-શક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળો' યોજાવા જઈ રહ્યો છે. બુધવારે (11મી ફેબ્રુઆરી) ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે આ પાંચ દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ થશે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
પ્રથમવાર ‘ડમરુ યાત્રા’ આયોજન
જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના 11મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7:00 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ભાવિકો માટે સુવિધાઓનો ‘જર્મન ડોમ’
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800-850 ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે 2000 ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને 24 કલાક હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પરિવહન અને પાર્કિંગની વ્યવસ્થા
મેળામાં આવતા લાખો મુસાફરો માટે ST નિગમ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન છે. આ વર્ષે 195 જેટલી વધુ બસો સાથે કુલ 7,800 ટ્રીપો દ્વારા 3.70 લાખ મુસાફરોને લાવવા-લઈ જવાનું લક્ષ્ય છે. તમામ બસોનું GPS દ્વારા મોનિટરિંગ થશે. ઉપરકોટ અને વાઘેશ્વરી મંદિર સહિત 25 સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવાયા છે, જે સીસીટીવીથી સજ્જ હશે. પાર્કિંગ સ્થળેથી મેળામાં જવા માટે 25 નિ:શુલ્ક રિક્ષાઓની સુવિધા ઉપલબ્ધ રહેશે.

થીમ બેઝ્ડ સુશોભન અને સેલ્ફી પોઈન્ટ્સ
સમગ્ર ભવનાથ વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગારવામાં આવ્યો છે. રવેડી રૂટ પર આકર્ષક રોશની, 6 મુખ્ય પ્રવેશદ્વારોનું સુશોભન અને રસ્તામાં 6 સેલ્ફી પોઈન્ટ્સ ઉભા કરાયા છે. શ્રદ્ધાળુઓ માટે 140 પાણીની પરબ, 28 મેડિકલ કાઉન્ટર્સ અને 124 જેટલા હંગામી ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળાના અંતિમ દિવસે એટલે કે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી સાધુ-સંતોની શાહી રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં થતું શાહી સ્નાન આ મેળાનું સર્વોચ્ચ આધ્યાત્મિક આકર્ષણ રહેશે. જેમાં ભાગ લેવા ભારતભરમાંથી દિગંબર સાધુઓ અને નાગા સાધુઓ ઉમટી પડશે.









