તૃણાહારી હરણ પણ પ્લાસ્ટિક-કચરો ખાવા ટેવાયા, ગિરનાર જંગલના સીમાડાનો વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Girnar Wildlife: જૂનાગઢમાં લોકો અને તંત્રની બેદરકારીના કારણે રખડતા પશુઓ તો પ્લાસ્ટિક આરોગતા જોવા મળે જ છે. પરંતુ હવે તો જંગલમાં રહેતા તૃણાહારી હરણ પણ પ્લાસ્ટિક અને અન્ય કચરો આરોગવાના હેબીટેટ બન્યા છે. હાઈકોર્ટે અભયારણ્ય અને આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકના કડક પ્રતિબંધ અંગે હુકમ કર્યો હતો છતાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. ત્યારે જો હરણ પણ પ્લાસ્ટિક આરોગતો રહે અને સિંહો એવાં હરણનો શિકાર કરીને પેટમાં પધરાવે તો સિંહો પર પણ જોખમ ઊભું થવાની સંભાવના વન્ય જીવ નિષ્ણાતો નકારતા નથી.
ગિરનાર જંગલ આવેલું છે જેમાં સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ ઉપરાંત તૃણાહારીઓનો વસવાટ છે. તૃણાહારી પ્રાણીઓ સિંહનો ખોરાક છે. આજે વિલિંગડન ડેમ રોડ પર ત્રણ ચાર હરણ કચરાના ઢગલામાં મોઢા મારી પ્લાસ્ટિક અને અન્ય કચરો આરોગતા જોવા મળ્યા હતા. આ અંગેનો વીડિયો જોઈ પ્રકૃતિપ્રેમીઓ વિચલિત થઈ ગયા હતા.
જંગલ આસપાસ પ્લાસ્ટિક- કચરાનો નિકાલ રોકવો આવશ્યક
ગિરનાર અભયારણ્ય તેમજ જંગલ આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, હાઈકોર્ટે કરેલા હુકમ મુજબ જંગલ આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિક અને કચરો ફેંકવા બાબતે કડક અમલ કરવામાં આવે એ આવશ્યક બન્યું છે. શહેરના બીલખા રોડ પર આવી જ હાલત જોવા મળે છે, ત્યાં પણ કચરાના આડેધડ નિકાલના લીધે વન્યપ્રાણીઓને હાનિ પહોંચે છે પરંતુ તંત્રને કોઈ દરકાર જ ન હોય એવી હાલત છે.
પ્લાસ્ટિક આરોગતા હરણના શિકારથી ઝેરી રસાયણો સિંહનાં પેટમાં પહોંચી શકે છે
પ્લાસ્ટિક આરોગતા હરણના વાયરલ વીડિયો અંગે એક વન્ય જીવ નિષ્ણાતે જણાવ્યું હતું કે હરણચના પેટમાં પ્લાસ્ટિકનું પાંચન થતું નથી, પેટમાં જગ્યા રોકાવાથી હરણનો ખોરાક ઓછો થાય છે જેના લીધે પૂરતું પોષણ ન મળવાથી હરણ નબળું પડી જાય છે, બીમાર પડે છે. જો આવા હરણનો સિંહ શિકાર કરે તો તેના પેટમાં પણ પ્લાસ્ટિકનાં ઝેરી રસાયણો પહોંચી શકે છે જેના લીધે સિંહનાં પ્રજજન અને રોગપ્રતિકારક શક્તિ સહિતનાં સ્વાસ્થ્ય પર અસર થાય એવી સંભાવના છે. આ ઉપરાંત સમગ્ર આહાર શૃંખલાની પણ સમસ્યા થઈ શકે છે.








