આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : રાજસ્થાનના ડ્રગ માફિયાઓ હવે અન્ય રાજ્યોમાં નશાનો જથ્થો મોકલવા માટે કુરિયર કંપનીઓનો આશરો લઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વસ્ત્રાલ એસ.પી. રિંગ રોડ પર આવેલા વેદ આર્કેડ પાસેથી આસુરામ ભાદુ (રહે. બાલોતરા જિલ્લો, રાજસ્થાન) નામના યુવકને ઝડપી લીધો હતો. તેની પાસેથી પ્રાથમિક તપાસમાં ₹35 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
કુરિયર પાર્સલમાંથી મળ્યું ₹35 લાખનું ડ્રગ્સ
આરોપી આસુરામની કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તે રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદની કુરિયર એજન્સીઓ મારફતે બેંગલુરુ (કર્ણાટક) અને અન્ય રાજ્યોમાં પાર્સલ કરતો હતો. તેણે બાપુનગરના શ્યામશિખર કોમ્પ્લેક્સમાં આવેલી મારૂતિ કુરિયર ઓફિસમાં વધુ બે પાર્સલ બુક કરાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડીને તે બંને પાર્સલ રિકવર કર્યા હતા, જેમાંથી ₹35 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
રિમાન્ડ દરમિયાન ઓઢવમાંથી વધુ ₹33 લાખનો જથ્થો મળ્યો
પ્રાથમિક સફળતા બાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ઓઢવના આદિનાથનગરમાં આવેલી યમુના પાર્ક સોસાયટીના એક મકાનમાં પણ ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે, જેને કુરિયર કરવાનો બાકી હતો. પોલીસે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને વધુ ₹33 લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આમ, ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ ₹68 લાખનું ડ્રગ્સ પકડી પાડીને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આસુરામ રાજસ્થાનના ડ્રગ માફિયાઓ પાસેથી કમિશન લઈને અમદાવાદ આવીને આ ગેરકાયદેસર કુરિયર કરતો હતો. તે છેલ્લા ઘણા મહિનાઓથી આ રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યો હોવાની આશંકા છે.









