ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી
Sandalwood Robbery : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ચંદન ચોરીની ઘટનાઓ ફરી એકવાર સામે આવી છે. જેમાં હવે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરને નિશાન બનાવવામાં આવ્યું છે. મલેકપુર ગામમાં આવેલા તેમના ખેતરમાંથી બુધવારે મોડી રાત્રે અંદાજે 5 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના મલેકપુરમાં આવેલા ખેતરમાં 40થી વધુ ચંદનના વૃક્ષો આવેલા છે. બુધવારે રાત્રિના સમયે તસ્કરોએ ખેતરમાં પ્રવેશ કરીને ચંદનના 5 વૃક્ષોને થડમાંથી કાપી ચોરી કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ અજમલજી ઠાકોરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે.
ચંદનની ચોરી કરતી આ ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની રહી છે. અગાઉ પણ ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં ચોરો પોલીસની પકડમાં આવ્યા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે, અને પોલીસની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી થયેલી ચોરીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.