Get The App

ઝારખંડના બોગસ પરમીશન લેટર કેસમાં લેપટોપ, ફોન FSLમાં મોકલાયા

લોક્ડાઉનમાં સોફટવેર એન્જિનિયરે ડિજિટલ ગુજરાતના પોર્ટલના પરમીશન લેટરમાં ચેડા કરી શ્રમિકો પાસે રોકડી કરી હતી

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 28 જુલાઇ 2020 મંગળવાર
લોક્ડાઉન અંતર્ગત વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકોને ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી આપવામાં આવેલા પરમીશન લેટરમાં ચેડા કરી માત્ર રૂા. 500માં ઝારખંડમાં લક્ઝરી બસ લઇ જવા બોગસ પરમીશન લેટર બનાવનાર સોફટવેર એન્જિનિયરનું લેપટોપ અને મોબાઇલ ફોન કબ્જે લઇ પોલીસે એફએસએલમાં મોકલાવ્યા છે.
લોક્ડાઉન અંતર્ગત પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજીના આધારે જિલ્લા ક્લેકટર દ્વારા પરમીશન આપવામાં આવતી હતી. પરંતુ કેટલાક ભેજાબાજોએ આર્થિક લાભ માટે ડિજિટલ પોર્ટલ પરથી ઇસ્યુ કરવામાં આવેલી પરમીશનમાં ચેડા કરી રવિકુમારના નામે 54 શ્રમિકોને બસ નં. જીજે-14 એક્સ-6195 ઉધનાથી ઝારખંડના ગરીડીહ જિલ્લામાં અને મિલાપસિંહ ચૌધરીના નામે 36 મુસાફરોને બસ નં. આરજે-4 ઝેડ-4000 તથા બસ નં. જીજે-4 પીએ-4000 માં 36 શ્રમિકોને ઝારખંડના દેઓધર જિલ્લામાં લઇ જવા એપ્લીકેશન કરી હતી. ડિજિટલ પોર્ટલ પર અરજી કર્યા વિના જ ક્લકેટર કચેરી ખાતે પરમીશન રજૂ કરવામાં આવી હોવાની ગંભીર બાબતને પગલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. જે અંતર્ગત ગત રોજ પીએસઆઇ એલ.એમ. ચૌધરીએ સોફટવેર એન્જિનીયર તુષાર મનસુખ સાંગાણી (ઉ.વ. 30 રહે. 12, ચંદનબાગ સોસાયટી, એ.કે. રોડ, વરાછા) ની ધરપકડ કરી હતી. દરમ્યાનમાં આજ રોજ પોલીસે તુષારનું લેપટોપ અને મોબાઇલ ફોન કબ્જે લઇ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલાવ્યા છે. ઉપરાંત તુષારે પાર્થ નામના વ્યક્તિની ઓરિસ્સા જવાની પરમીશનના આધારે બોગસ પરમીશનલ લેટર બનાવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

Tags :