જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, 'માઉન્ટ તારા' નામ આપ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : "જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ", આ ઉક્તિને સાર્થક કરતા જામનગરના એક યુવાને અદમ્ય સાહસ અને અડગ ઇચ્છાશક્તિ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઇજનેર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમના સભ્યો સાથે લદ્દાખના ઝંસ્કાર ક્ષેત્રમાં સ્થિત 6248 મીટરની ઊંચાઈના એક અજાણ્યા શિખર પર સફળતાપૂર્વક આરોહણ કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે. તેમનો દાવો છે કે, આ શિખર પર આજ દિન સુધી કોઈએ આરોહણ કર્યું નહોતું, તેમણે આ સિદ્ધિને હિમાલયન અભિયાનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવ્યો છે.

પડકારજનક અભિયાન: 13 દિવસનો સંઘર્ષ
કોલકાતાના અરિત્રા ચેટર્જીના નેતૃત્વ હેઠળની છ સભ્યોની આ ટીમે આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઇડ કે કુકની મદદ વગર સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ કર્યું. આ અભિયાન દરમિયાન ટીમે અતિશય કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. ટીમને સતત 13 દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું. અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ 5 થી 6 ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, પરંતુ બાકીના સભ્યોએ અદ્ભૂત હિંમત અને સાહસ બતાવીને શિખર સર કર્યું હતું.

માઉન્ટ 'તારા'નું નામકરણ
પર્વતારોહણની પ્રથા મુજબ, અનામી શિખર પર પ્રથમ વખત સફળ આરોહણ કરનાર ટીમ દ્વારા તેનું નામકરણ કરવામાં આવે છે. આ પ્રથાને અનુસરીને, નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે આ નવા શિખરનું નામ "માઉન્ટ તારા" આપ્યું છે. નચિકેતા ગુપ્તાના મતે, આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં
નચિકેતા ગુપ્તાએ જણાવ્યું કે, માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની લાગણીનું પ્રતીક છે. તેમની આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે ગૌરવનો વિષય છે, જે નવી પેઢીને પ્રેરણા પૂરી પાડે છે.








