જામનગરમાં રસ્તાઓ પર 'રબડી રાજ', કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News: જામનગર મહાનગરપાલિકા (JMC)ના વોર્ડ નંબર 6માં રોડ-રસ્તાની અત્યંત ખરાબ હાલત અને કાદવ કીચડના કારણે સર્જાયેલા 'રબડી રાજ' સામે શહેર કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કાદવ કીચડ (રબડી) વાળા રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને તે જ કીચડવાળા કપડાં સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા.
કોંગ્રેસ પ્રમુખે મેયરને રબડીવાળા કપડે આવેદનપત્ર આપ્યું
શહેર કોંગ્રેસ પ્રમુખે વિરોધની આ અનોખી રીત અપનાવ્યા બાદ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં મેયરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. મેયર કચેરીમાં હાજર ન હોવાથી, કોંગ્રેસ પ્રમુખે રબડીવાળા કપડે ડેપ્યુટી મેયરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો નજીકના ભવિષ્યમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો સ્થાનિક લોકોને સાથે રાખીને મેયરની ચેમ્બરનો ઘેરાવ સહિતના ઉગ્ર દેખાવ કરવામાં આવશે.

એક વર્ષથી રસ્તો ખરાબ, લોકો ત્રાહિમામ
ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં ઘણાં સમયથી રોડ-રસ્તાની ગુણવત્તા ખરાબ છે, પરંતુ વોર્ડ નંબર 6ની સ્થિતિ સૌથી ગંભીર છે. એરફોર્સ ગેટથી લઈને વાયુનગર સુધીનો રસ્તો ભૂગર્ભ ગટરના કામને કારણે છેલ્લા એક વર્ષથી ખરાબ હાલતમાં છે. આ રોડનું કામ પૂર્ણ ન થતાં સ્થાનિકો ખૂબ જ પરેશાન છે. આ ઉપરાંત વોર્ડના અન્ય વિસ્તારો જેમ કે ડિફેન્સ કોલોની અને બાલાજી પાર્ક વિસ્તારના રોડને પણ ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ પેચવર્ક કે રોડનું કામ કર્યા વિના છોડી દેવામાં આવ્યા છે.
સ્થાનિકોની વારંવારની માંગણીઓ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોંગ્રેસે તાત્કાલિક આ સમસ્યાઓનો નિકાલ લાવવાની માંગ કરી છે, નહીં તો આવતા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.








