Get The App

અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ 1 - image


Prostitution Racket in Ahmedabad :
અમદાવાદના મણિનગર વિસ્તારમાં બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ દેહવ્યાપારના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (AHTU) પર્દાફાશ કર્યો છે. સોમવારે સાંજે 'ઓશનિક સ્પા' પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી હતી અને અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી પાંચ મહિલાઓને બચાવી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર AHTUને બાતમી મળી હતી કે મણિનગરના કાંકરિયા તળાવ પાસે આવેલા રાજદીપ ડ્રીમ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા 'ઓશનિક સ્પા'માં પૈસાના બદલામાં ગ્રાહકોને જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરી ઓપરેશન ગોઠવ્યું હતું. એક પોલીસ અધિકારી અને ટીમે ડમી ગ્રાહકને રૂ.500ના દરની ચિહ્નિત નોટો આપીને સ્પામાં મોકલ્યો હતો. ગ્રાહકને સૂચના આપવામાં આવી હતી કે તે જાતીય સેવાઓ માટે વાટાઘાટ કરે અને સોદો નક્કી થતાં જ પોલીસને સંકેત આપે.

ડમી ગ્રાહકનો સંકેત મળતા જ પોલીસ ટીમે તાત્કાલિક સ્પામાં દરોડો પાડ્યો હતો અને મેનેજર રાજેશ મનીશેખ શેખ (ઉંમર 32) ને ઝડપી પાડ્યો હતો. રાજેશ મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ સ્પા ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સ્પાનો માલિક મહારાષ્ટ્રના નવી મુંબઈ (વાશી) ખાતે રહેતો ભીમસિંહ કબીર નાયક છે.

દરોડા દરમિયાન પોલીસને સ્પાના પરિસરમાંથી પાંચ મહિલાઓ મળી આવી હતી. જેઓ અમદાવાદ, દિલ્હી અને ઉત્તર પ્રદેશની રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ મહિલાઓને રાજ્ય બહારથી નોકરી પર રાખવામાં આવી હતી અને મેનેજર દ્વારા તેમને પ્રત્યેક ગ્રાહક દીઠ રૂ.500 ચૂકવવામાં આવતા હતા. મહિલાઓને દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કામ કરવાની ફરજ પડાતી હતી.

પોલીસે સ્થળ પરથી ડમી ગ્રાહકે આપેલા ₹1,500 રોકડા અને સીસીટીવી ફૂટેજ રેકોર્ડ કરવા માટેનું એક ડીવીઆર જપ્ત કર્યું છે. પોલીસે મેનેજર રાજેશ શેખની ધરપકડ કરી છે, જ્યારે ફરાર માલિક ભીમસિંહ કબીર નાયકને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બચાવી લેવાયેલી તમામ પાંચ મહિલાઓને કાઉન્સેલિંગ અને તબીબી તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

Tags :