જામનગર નજીક સળગતી ટ્રક રણજીત સાગર ડેમમાં ઉતારી, ફિલ્મી દ્રશ્યો સર્જાયા
Jamnagar News: જામનગરના રણજીત સાગર રોડ પર રવિવારે (પહેલી જૂન) સાંજે ઘાસ ભરેલી મિની ટ્રક ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈન સાથે આવી ગયો હતો. તણખો પડવાથી તેમાં રહેલું ઘાસ સળગવા લાગ્યું હતું. ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને ડેમના પાણીમાં ઉતારીને આગ બુઝાવી હતી. પોતે નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
જામનગરથી મોખાણા તરફ જઈ રહેલા એક મિની ટ્રકમાં સૂકા ઘાસનો જથ્થો ભરેલો હતો અને તે રવિવારે સાંજે રણજીત સાગર રોડ પર ડેમની નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રકમાં ભરેલા ઘાસના જથ્થામાં ઉપરથી પસાર થઈ રહેલી વિજ લાઇનમાંથી તણખો પડ્યો હતો અને ઘાસ સળગવા લાગ્યું હતું. આ બનાવ રણજીત સાગર ડેમની નજીક જ બન્યો હોવાથી ટ્રકચાલકે સમય સૂચકતા વાપરીને સળગતું વાહન આગ બુઝાવવા માટે વાહનને સીધું જ ડેમમાં ઉતારી દેવાનો પ્લાન કર્યો હતો. જે મુજબ પોતાનું વાહન ડેમના પાણીમાં લઈ જઈ ડેમની અંદર ઉતારી દીધું હતું, અને પોતે છલાંગ મારીને પાણીમાં ઉતરી ગયો હતો.
આ પણ વાંચો: 3 વર્ષ બાદ કોરોનાથી અમદાવાદમાં મૃત્યુની પહેલી ઘટના, ગુજરાતમાં 320 એક્ટિવ કેસ નોંધાયા
સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ બન્યો ન હતો. આગજનીની ઘટના સમયે સળગતા ટ્રકની પાછળની નીકળનારા અન્ય વાહન ચાલકો કે જેઓએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.